મલ્ટી મીડિયા પ્રોજેકટર, સ્ક્રીન તથા માઈક સહિતના અત્યાધુનિક સાધનોની વ્યવસ્થા ધરાવતા એસી હોલનું ઘનશ્યામપુરી બાપુના હસ્તે ઉદ્ઘાટન થશે
શહેરના નાનામવા સર્કલ પાસે ભરવાડ સમાજની ધોરણ-૯થી ગ્રેજયુએટ અને પાસેટ ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરતી દિકરીઓ માટે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ કાર્યરત છે. હોસ્ટેલમાં ૧૬૦ છોકરીઓ ગ્રામ્ય વિસ્તારની રહી પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી રહી છે. હોસ્ટેલનું સંચાલન ગોપાલક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા મહિલા ટ્રસ્ટીઓથી થઈ રહેલું છે.
હોસ્ટેલના પ્રાંગણમાં તાજેતરમાં એક એરક્ધડીશન હોલ બનાવેલ છે, જેમાં મલ્ટીમિડીયા પ્રોજેકટર અને સ્ક્રીન તથા માઈક અને સ્પીકર્સની વ્યવસ્થા તથા તેમાં કોમ્પ્યુટર અને લાયબ્રેરી પણ બનાવવામાં આવેલ છે. આ હોલનો ઉપયોગ સમાજના સંતાનો માટે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે કરવામાં આવશે. આ “કૃષ્ણત્વ એસેમ્બલી હોલનું ઉદ્ધાટન ગાંધી જયંતી તા.૦૨ને મંગળવારના રોજ સાંજના પાંચ વાગ્યે ભરવાડ સમાજના ધર્મગુ અને થરા જગ્યાના ગાદીપતિ ઘનશ્યામપુરી બાપુના વરદ હસ્તે કરાશે.
કાર્યક્રમમાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેનાર છે. તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.કાર્યક્રમની સાથે સાથે આ હોલના આધુનિકરણના દાતા ચિમનભાઈ કે.ગમારા (પાનેલીવાળા)નું સન્માન કરવામાં આવશે તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં આ હોસ્ટેલની જે વિદ્યાર્થીનીઓ ઉચ્ચ અને શ્રેષ્ઠ પ્રદર્શન અભ્યાસમાં કરેલ છે તે તમામનું પણ મોમેન્ટો આપી સન્માન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.
જીપીએસસી દ્વારા લેવાયેલ પરીક્ષામાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે પસંદગી પામેલા સાજણ મેર (સાળંગપરડા) અને વિજય ભરવાડ (રાણપુર)નું ખાસ સફળતા સન્માન કરવામાં આવશે તેમ આભિર સંસ્થા અમદાવાદના એમ.પી.ગમારા (નિ.ડીસ્ટ્રીક જજ) તથા મનોજ બી.ગમારાએ જણાવેલું હતું.હોસ્ટેલ સંચાલક મંડળ વતી વિનુભાઈ ટોળિયા અને હોસ્ટેલના એડવાઈઝરી કમિટીના વડા ખેંગારભાઈ એસ.રાણગા (અમદાવાદ)એ જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં ભરવાડ સમાજના દિકરાઓની જેમ જ દિકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તે બહુ જ જરૂરી છે.
અમે આ હોસ્ટેલમાં શિક્ષણની સાથે પોષણ, સંસ્કાર, ભાષા, વાણી અને વર્તન તથા સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાન આપવાનું કામ પણ કરી રહેલા છીએ, અહીંથી અનેક દિકરીઓ સરકારી નોકરી તરફ ગયેલ છે. આવનાર સમયમાં અને ઉચ્ચ સરકારી પદો પર અમારી છોકરીઓ પહોંચે તેવા સફળ પ્રયત્નો અત્યારથી જ શરૂ કરી દીધા છે. કરણાભાઈ માલધારી, હરિભાઈ ટોટા (રણુંજા), દિનેશભાઈ ટોળિયા, કાળુભાઈ બાંભવા, હિરાભાઈ બાંભવા, નારણભાઈ ટારીયા, લીંબાભાઈ માટીયા, દિલીપ બાંભવા, જીતુભાઈ કાટોડીયા, રમેશ ગોહેલ, વિજય ગમારા વિગેરેએ પણ કાર્યક્રમને સફળ બનાવવા આશા સેવી છે.