ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો ચરૂ
પીસીસી બોડીના ગઠન અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક મામલે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેના મતભેદ ઉપસી આવ્યા: અંદરો અંદરની લડાઈમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મનોહરસિંહજીની અંતિમવિધિમાં કોંગી નેતાઓ ફરકયા નહીં
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે સર્વોપરીતાની જંગ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં લાગેલી આગ ઠારવા રાહુલ ગાંધીએ બન્ને દિગ્ગજ નેતાઓને તાત્કાલીક મતભેદ ભુલી સાથે કામ કરવા તાકીદ કરી છે. નહીંતર કડકમાં કડક પગલા લેવાશે તેવી ચિમકી ઉચ્ચારી છે તેવું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના નેતા લોકસભા ચૂંટણીમાં રણનીતિ ઘડવાના હેતુથી દિલ્હી ખાતે સંકલન બેઠકમાં હાજર રહ્યાં હતા. જો કે, ચૂંટણીના પ્લાનની જગ્યાએ તેઓ અંદરો-અંદર બાખડી પડયા હોવાનું જાણવા મળે છે. આ સમયે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેના મતભેદ ઉપસી આવ્યા છે.
અંદરો અંદરની લડાઈમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મનોહરસિંહજીની અંતિમવિધિમાં પણ કોંગી અગ્રણીઓ ફરકયા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સર્વોપરીતા સાબિત કરવામાં કોંગ્રેસના નેતાઓ ભુતકાળ અને ભવિષ્યનું ભાન ભુલી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પરેશ ધાનાણી અને અમિત ચાવડા વચ્ચેની ખટરાગમાં પાટીદાર ફેકટર કારણભૂત હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કોંગ્રેસનો પાટીદાર અનામત આંદોલન પ્રત્યેનો ઝુકાવ બાદ હવે સત્તા ઉપર રહેવાની લાલચમાં બન્ને નેતાઓ વચ્ચે સર્વોપરીતા સાબીત કરવાની આગ લાગી છે.
લોકસભા ચૂંટણીમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીને આંતરીક મતભેદો ભુલી કોંગ્રેસના વિકાસ માટે ધ્યાન આપવાની તાકીદ રાહુલ ગાંધીએ કરી છે. બન્ને વચ્ચેના મતભેદ પીસીસીની રચના તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક મુદ્દે કોનો હાથ ઉપર રહેશે તે મામલે થયા છે તેવું સૂત્રોનું માનવું છે. હજુ સુધી પ્રદેશ કોંગ્રેસ કમીટીની રચના વ્યવસ્થિત થઈ ન હોવાથી આ પ્રકારના મતભેદ થતાં હોવાનું કહેવાય છે.