બાઈક અથડાવાના પ્રશ્ર્ને સીંધી યુવાનનું અપહરણ કરી ઢીમઢાળી દીધાની કબુલાત
શહેરના રેલનગરમાં દસેક દિવસ પહેલા બાઈક અથડાવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડામાં સીંધી યુવાનનું અપહરણ કરી છ શખ્સોએ બોથડ પદાર્થથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા સીંધી યુવાનનું મોત નિપજતા ઘટના હત્યામાં પરિણમતા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા છ શખ્સોની ધરપકડ કરી છે.
રેલનગર પાસે ક્રિશ્ર્ના પાર્કમાં રહેતા વિશાલ રાજેશભાઈ ટેકવાણી નામના સીંધી યુવાનનું તેના પિતાની નજર સામે જ અપહરણ કરી જીતુ અને સુનિલ સહિતના શખ્સોએ ધોકા પાઈપથી મારમારતા ગંભીર રીતે ઘવાયેલા વિશાલનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
રેલનગરમાં વિપુલ વનરાજભાઈ કોળી અને વિશાલ રાજેશ ટેકવાણીના બાઈક અથડાતા બંને વચ્ચે ઝઘડો થતા વિશાલ ટેકવાણીએ તીક્ષ્ણ હથીયારથી વિપુલ પર કરેલા હુમલાને કારણે વિશાલ ટેકવાણીનું અપહરણ કરી ખૂન કરવાના ગુનામાં સંડોવાયેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ વનરાજ વડેચા, લંગડો, ચિરાગ રમેશ ધોળકીયા, વિજાણ ઉર્ફે પિન્ટુ ઉર્ફે હરેશ ઉકેડીયા, સુનિલ પ્રેમજી વડેચા, પારસ સંગ્રામ મૂણાડીયા અને સિહરાજ હનીફ જુણેજા નામના શખ્સોની પ્ર.નગર પી.આઈ. બી.એમ. કાતરીયા અને પી.એસ.આઈ. બી.જી. ડાંગર સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.