નમાઝ પઢવા માટે મસ્જિદ ફરજિયાત હોવી જરૂરી નથી તેવા ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી દેતા અયોધ્યા કેસમાં જમીન માલીકીના કેસની સુનાવણી સામેનો અવરોધ હટી ગયો
અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુનાવણી દરમિયાન મસ્જિદ ઈસ્લામનો આંતરીક હિસ્સો છે કે નહીં તે અંગેનો મુદ્દો ઉઠયો હતો. વર્ષ ૧૯૯૪માં વડી અદાલતે ચુકાદામાં કહ્યું હતું કે, મસ્જિદ ઈસ્લામનો આંતરીક હિસ્સો નથી. મુસ્લિમ પક્ષકારોએ આ ચૂકાદાની પુન: સમીક્ષાની માંગ કરી હતી.
જો કે, ગુરૂવારે અદાલતે ચુકાદાની લાર્જર બેંચ દ્વારા પુન: સમીક્ષા કરવાની માંગને ફગાવી દેતા હવે અયોધ્યા ટાઈટલ કેસની સુનાવણીનો માર્ગ મોકળો થયો છે. પરિણામે રામ મંદિરનો મુદ્દો ઝડપથી ઉકેલાશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ત્રણ ન્યાયાધીશો પૈકીના જસ્ટીસ અબ્દુલ નઝીર તેમના બે સાથી ન્યાયાધીશના અવલોકન સાથે સહમત થયા નહોતા. જો કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને જસ્ટીસ અશોક ભુષણે કહ્યું હતું કે, ઈસ્માઈલ ફાકી કેસમાં ઈસ્લામ માટે નહીં પરંતુ જમીન સંપાદન પર અવલોકન કરવાનું હતું.
ઈસ્માઈલ ફાકી કેસમાં અદાલત દ્વારા થયેલા અવલોકનની અસર અયોધ્યા જમીન વિવાદ કેસ પર થવાની નથી. વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ લેન્ડ ટાઈટલ કેસના ચુકાદામાં ત્રણ પક્ષકારો વચ્ચે જમીન વહેચી આપવાનો આદેશ આપ્યો હતો.
ગઈકાલના ચુકાદા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ કેસ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા વ્યકત કરી છે. તેમણે કહ્યું છે કે, દેશના મોટાભાગના નાગરિકો આ મુદ્દાનો ઝડપથી ઉકેલ ઈચ્છી રહ્યાં છે. એઆઈએમઆઈએમના અસાદુદીન ઓવેશીએ કહ્યું હતું કે, જો કેસ સંવિધાનીક ખંડપીઠને રીફર કરવામાં આવ્યો હોત તો સારૂ થાત. આ મામલે આરએસએસ દ્વારા જણાવાયું છે કે, વડી અદાલતે રામ જન્મભૂમિ કેસની સુનાવણી આગામી તા.૨૯ ઓકટોમ્બર ૨૦૧૮થી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે આ કેસનો નિકાલ ઝડપથી થશે તેવી અપેક્ષા છે.