જામખંભાળીયા અને આણંદના ડાલી ગામેથી ગાંજાની સપ્લાય થતી: કાર ચાલક સપ્લાયર બન્યો
શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી પંદર દિવસ પહેલાં રૂ.૨૧.૪૫ લાખની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા બાદ સુરતના મુખ્ય સપ્લાયર સહિત બે શખ્સોને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી બંને શખ્સોની પૂછપરછ દરમિયાન જામ ખંભાળીયા અને આણંદના ડાલી ગામેથી ગાંજાની સપ્લાય કરવામાં આવતા રાજકોટ પોલીસે આણંદ પોલીસને સાથે રાખી ડાલી ગામે દરોડો પાડી રૂ.૧.૨૦ કરોડની કિંમતનો ૨૧૦૦ કિલો ગાંજો ઝડપી લીધો છે. આંધ્ર પ્રદેશ અને ઓડીસાથી ગાંજાનો જથ્થો મગાવ્યાની કબૂલાત આપતા પોલીસે ગાંજા અંગે તપાસ રાજય વ્યાપી બનાવી કયાં કયાં વેચાણ કર્યુ છે તે અંગે તપાસ હાથધરી છે.
જંગલેશ્વરની અમીના નામની મહિલાને એકાદ માસ પહેલાં સવા કિલો ગાંજા સાથે ઝડપાયા બાદ તેની પુત્રી મદીના પણ ગાંજાનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે પંદર દિવસ પહેલાં દરોડો પાડી રૂ.૨૧.૪૫ લાખની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે પોલીસે મદીના ઉસ્માન જુણેજા, ઉસ્માન લઘર જુણેજા, અફસાના સલીમ કયડા અને અલ્ફાઝ ઇનાયત શેખ નામના શખ્સોની ધરપકડ કરી હતી.
ચારેયની પૂછપરછ દરમિયાન સુરતના વિજય ભૈયા નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મગાવ્યાની કબૂલાત આપી હતી. તે દરમિયાન ગત તા.૧૨ સપ્ટેમ્બરે કુવાડવા રોડથી જંગલેશ્વર સુધીના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કરતા એક ટ્રકમાંથી જી.જે.૩કેસી.૮૩૮૨ નંબરની અર્ટીકામાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યાનું ખુલતા સુખરામનગરમાં રહેતા અર્ટીકાના ચાલક ઘનશ્યમગીરી જગદીશગીરી ગોસાઇની એસઓજી સ્ટાફે ધરપકડ કરી હતી.
કાર ચાલક ઘનશ્યામગીરી ગાંજાનો સપ્લાયર બની સુરતના વિજય ભૈયાના સંપર્ક બનાવી ખંભાળીયા ખાતે રહેતા પોતાના મામાના દિકરા મુકેશગીરીને પહોચાડતો હોવાનું બહાર આવ્યું હતું.
ગાંજાનો જથ્થો સુરતના વિજય અસોક કુલપતીએ આણંદ તાલુકાના વીરસદના ડાલી ગામે ચેતનસિંહ ઉર્ફે રાજભા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મામા ગામ રાખ્યો હોવાનું અને ત્યાંથી જામ ખંભાળીયાના મુકેશગીરી જસવંતગીરીને મોકલ્યાનું પણ ત્યાં પકડાઇ જવાના ડરના કારણે રાજકોટની મદીનાને ગાંજાનો જથ્થો મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ સહિતના સ્ટાફે મોબાઇલ લોકેશનના આધારે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા પાસેથી વિજય અશોક કુલપતીને ખંભાળીયાના મુકેશગીરીની સાથે સ્કોડા કારમાં ઝડપી લીધા હતા. જ્યારે ચેતનસિંહ ઉર્ફે રાજભા ઝાલાને એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. સીસોદીયાએ ડાલી ગામેથી ઝડપી લીધો હતો.
વિજય અશોક કુલપતીની પૂછપરછ દરમિયાન તે ખંભાળીયાના મુકેશગીરી ગૌસ્વામીને મોકલેલા ગાંજાનો હિસાબ લેવા જઇ રહ્યો હોવાની અને આંધ્ર પ્રદેશ તેમજ ઉડીસાથી ગાંજો લાવ્યાની અને ગાંજાનો બીજો જથ્થો ડાલી ગામે ચેતનસિંહ ઉર્ફે રાજભા ઝાલા પાસે હોવાની આપેલી કબુલાતના આધારે રાજકોટ પોલીસે આણંદ પોલીસને સાથે રાખી ડાલી ગામે દરોડો પાડી રૂ.૧.૨૦ કરોડની કિંમતના ૨૧૦૦ કિલો ગાંજો ઝડપી લેવામાં સફળતા મળી છે.