ઝાકળના કારણે વિઝિબિલિટિ ૫૦૦ મીટર: જેટ એરવેઝની મુંબઈની ફલાઈટ અઢી કલાક મોડી આવતા મુસાફરો અકળાયા: કાલે પણ ઝાકળવર્ષાની સંભાવના
સત્તાવાર રીતે હજુ ચોમાસાની સીઝને માંડ વિદાય લીધી છે અને શીયાળાનો આરંભ પણ નથી થયો ત્યાં આજે રાજકોટમાં ચાલુ સાલ સીઝનની પ્રથમ ઝાકળવર્ષા થવા પામી હતી. જેના કારણે વહેલી સવારે મુંબઈથી રાજકોટ આવતી જેટ એરવેઝની ફલાઈટનું લેન્ડીંગ થઈ ન શકતા ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવાની જરૂર પડી હતી. નિર્ધારીત સમય કરતા મુંબઈની ફલાઈટ અઢી કલાક સુધી મોડી આવતા મુસાફરો રીતસર અકળાઈ ગયા હતા. આવતીકાલે પણ રાજયમાં ઝાકળવર્ષા થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૩.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સામાન્ય રીતે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નવેમ્બર માસમાં ઝાકળવર્ષા થતી હોય છે .
પરંતુ આજે સીઝનની પ્રથમ ઝાકળવર્ષા થઈ હતી. ઝાકળના કારણે વિઝીબીલીટી માત્ર ૫૦૦ મીટર રહેવા પામી હતી. એટલે કે, ૫૦૦ મીટર કે તેથી વધારાના દૂરની અંતરની કોઈપણ વસ્તુ જોઈ શકાતી ન હતી. સવારે ૫:૩૦ થી ૭ વાગ્યા સુધી ઝાકળવર્ષા ચાલુ રહેવાના કારણે રાજકોટમાં સવારે ૬ કલાક અને ૫ મીનીટે મુંબઈથી આવતી જેટ એરવેજની ફલાઈટનું લેન્ડીંગ થઈ શકયું ન હતું.
જેના કારણે મુંબઈની ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. વાતાવરણ કલીયર થયા બાદ જેટની ફલાઈટ રાજકોટ આવી હતી. નિર્ધારીત સમય કરતા આશરે અઢી કલાક મુંબઈની ફલાઈટ મોડી થવાના કારણે મુસાફરો રીતસર અકળાઈ ઉઠયા હતા.
એર ઈન્ડિયાની ફલાઈટ જે સમયે આવે છે ત્યારે વાતાવરણ કલીયર થઈ જતા આ ફલાઈટને ઝાકળવર્ષાની કોઈ અસર થવા પામી ન હતી. સામાન્ય રીતે બે થી ત્રણ દિવસ ઝાકળ પડતી હોય છે. આવતીકાલે પણ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઝાકળવર્ષાની સંભાવના જણાય રહી છે. રાજયમાં શીયાળાના ધીમી ગતિએ પગરવ થઈ રહ્યાં છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે ભાદરવાના તડકાઓ લોકોને પરસેવે રેબજેબ કરી નાખે છે. આજે સવારે ઝાકળ વર્ષાના કારણે રાજમાર્ગો ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.