રૂ.૩૦ હજાર વ્યાજે લીધા બાદ ન ચુકવી શકતા જીવન ટુંકાવ્યું
શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાતના બનાવોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં વ્યાજખોરોના ત્રાસને કારણે ફીનાઈલ પી આપઘાત કરવાના પ્રયાસના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં ગાંધીગ્રામના પ્રૌઢે દમ તોડતા વ્યાજખોરોના ત્રાસથી પિડીત વધુ એક આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાના બનાવોમાં વધુ એક બનાવ ઉમેરાયો છે. શહેરના ગાંધીગ્રામ અક્ષરનગર વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચૌહાણ નામના ૫૦ વર્ષીય પ્રૌઢે વ્યાજખોરોના ત્રાસથી ફીનાઈલ પી લેતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ૩૦ હજારની સામાન્ય રકમ વ્યાજે લીધા બાદ ન ચુકવી શકતા જીતેન્દ્રભાઈએ દમ તોડતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે વધુ એક શખ્સનો ભોગ લેવાયો હતો.
પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી છતા પણ લોકો મરવા સુધી મજબુર લઈ રહ્યા ત્યારે આપઘાતની ઘટનાઓને રોકવા કેવી કાર્યવાહી કરવી મહત્વનો પ્રશ્ર્ન બની રહ્યો છે. પોલીસે જીતેન્દ્રભાઈના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વ્યાજખોરો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.