આગામી બીજી ઓકટોબરના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી નિમીત્તે રાજકોટ શહેર અને જિલ્લા ગ્રામ્યમાં ઉજવણી નિમીત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન જનસહયોગથી કરાશે. મહાત્મા ગાંધીની આ ૧૫૦ વર્ષની જન્મ જયંતિની ઉજવણી બે વર્ષ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેરમાં તા. ૨ ઓકટોબરના રોજ મહાનગરપાલીકા દ્વારા સવારે ૯ કલાકે જયુબેલી બાગ થી સાયકલ રેલી, સવારે ૧૦ કલાકે જયુબેલી બાગના મહાત્મા ગાંધી પ્રતિમા ખાતે સ્વચ્છતાના સંદેશના શપથ, સવારે ૧૦-૩૦ કલાકે વિવિધ વિસ્તારોની મુલાકાત મહાનુભાવો દ્વારા લઇને સ્વચ્છતાની સમજ આપવાની કામગીરી, સાંજે ૫-૩૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રાર્થના સભા, સાંજે ૬-૧૫ કલાકે મેયર દ્વારા સ્વચ્છતા એક સોચ, સ્વચ્છતા એક આદત થીમ સોંગ લોંચ કરશે. મહાનુભાવોના વકતવ્યો અને સાંજે ૭-૦૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ જાહેર જનતા માટે વિના મુલ્યે લેઝર શો ખુલ્લો રાખવામાં આવશે.
રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના ૫૯૪ ગામોમાં પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સફાઇ કરેલ જગ્યાએ મહાનુભાવો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાના શપથ લેવડાવવા અને જસદણ તાલુકાના ભાડલા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં મહાત્મા ગાંધીને પ્રિય એવા ભજનો-સંગીતસંધ્યાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
જિલ્લા પ્રાથમિક અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની ૯૦૨ પ્રાથમિક શાળામાં અને ૬૯૨ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સ્વચ્છતાના શપથ લેવડાવવાના વિગેરે કાર્યક્રમો યોજાશે.
જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે કોલેજો, યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં પ્રભાતફેરી, સર્વધર્મ, પ્રાર્થના, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સ્વચ્છતાના સંદેશા માટે સ્વચ્છતાના શપથ લેવડાવવા વિગેરે કાર્યક્રમો યોજાશે.