લીફટ બંધ, સિકયુરિટીની કોઈ જ વ્યવસ્થા નથી.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ તે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. જી.જી. હોસ્પિટલના હાલના બિલ્ડીંગની પાછળ મેડિકલ કેમ્પસમાં નવ માળનું અતિ વિશાળ બિલ્ડીંગ નવી હોસ્પિટલના સ્વરૃપમાં બનાવાયું છે.
આ નવી હોસ્પિટલ બિલ્ડીંગમાં કોઈપણ જાતની આગોતરી સાધન-સુવિધાઓ પૂરી પાડ્યા વગર દર્દીઓ સાથે વિવિધ વિભાગોના વોર્ડોનું સ્થળાંતર ચાલુ કરી દેવામાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા-વ્હાલાઓને ભારે પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે.
આ નવી ઈમારતોનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ હોવાથી બિલ્ડીંગના પાછળના દરવાજેથી પ્રવેશ કરવો પડે છે. વોર્ડના પલંગ-ટેબલ, અન્ય સાધનો શીફટ્ટીંગ માટે એક કાર્ગો લીફ્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ હજુ સુધી જરૃરી તમામ સાધનો શીફ્ટ થઈ શક્યા નથી અને તે પહેલાં જ દર્દીઓને નવી બિલ્ડીંગમાં લાવવામાં આવી રહ્યા છે.
હોસ્પિટલના મેડિસીન વિભાગના વોર્ડના દર્દીઓનું શિફ્ટીંગ થયું છે અને તે પણ છેક પાંચમા માળે! નવાઈની વાત એ છે કે કાર્ગો લીફ્ટ તો ચાલુ છે, પણ દર્દીઓ માટેની લીફ્ટ બંધ છે. જ્યારે પાછળના ભાગે આવેલી બે લીફ્ટ ચાલુ છે કે બંધ છે તેની કોઈને ખબર નથી, કારણ કે તે લોક કરી છે. લીફ્ટ બંધ હોવાના કારણે આ દર્દીઓ તેમજ સ્ટાફને પાંચ માળના પગથીયા ચડીને ઉપર જવું પડે છે.
આજે તો કેટલાક દર્દીઓને ડોકટરોએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તપાસી લઈને ફરજ પૂરી કરી હતી. આ નવા બિલ્ડીંગમાં ક્યાંય સિક્યુરીટીનો બંદોબસ્ત હજી ગોઠવાયો નથી. તેથી બોડી બામણીના ખેતર જેવી સ્થિતિ છે. વાહનોના વ્યવસ્થિત પાર્કીંગ માટે કોઈ વ્યવસ્થા નથી. હજી તો માત્ર એક જ વિભાગના વોર્ડના દર્દીઓના શિફ્ટીંગમાં અનેક પ્રશ્નો-સમસ્યાઓ ઉદ્દભવ્યા છે ત્યારે બધા વિભાગો-વોર્ડના શિફ્ટીંગમાં શું દશા (અવદશા) થશે તે પ્રશ્ન છે..!!