ત્રણ રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાના નિર્ણયથી કર્મચારીઓ ખફા.
કેન્દ્ર સરકારે દેશની ત્રણ રાષ્ટ્રીકૃત બેંકો બેંક ઓફ બરોડા, દેના બેંક તથા વિજ્યા બેંકનું મર્જર કરવાનો નિર્ણય લેતા આ મર્જર સામે દેશભરમાં બેંક કર્મચારીઓમાં વિરોધ વંટોળ ઉભો થયો છે.
દેશવ્યાપી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આંદોલનાત્મક કાર્યક્રમો અંતર્ગત જામનગરમાં બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજ્યા બેંક તેમજ તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના ઓફિસરો, કર્મચારીઓએ સરૃસેકશન રોડ પર બેંક ઓફ બરોડાથી રીજનલ ઓફિસ સામે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જિલ્લા સેક્રેટરી કુલીનભાઈ ધોળકીયા તથા આસી. ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી કિર્તીભાઈ કલ્યાણીએ વિરોધ પ્રગટ કરતાં જણાવ્યું હતું કે આજે દેશમાં બેંકોના વિસ્તૃતિકરણની જરૃર છે. ત્યારે સરકાર બેંકોનું મર્જર કરી રહી છે. બેંકોના મોટા ડીફોલ્ટરો કે જેઓ જાણી જોઈને બેંકના લેણા-લોન ભરપાઈ નથી કરતાં તેની સામે કડક પગલાં ભરવાના બદલે મર્જરનો મધપૂડો છંછેડીને લોકોનું ધ્યાન ભ્રમીત કરવામાં આવી રહ્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પાંચ બેંકોના મર્જરના કડવા અનુભવ પછી પણ સરકાર મનસ્વી રીતે વધુ બેંકો મર્જર કરી રહી છે. એસબીઆઈ એ વર્ષો સુધી (અત્યાર સુધી) ક્યારેય ખોટ નથી કરી તે હવે ખોટના ખાડામાં ઉતરી રહી છે. આ પ્રકારના મર્જરથી પૂરવાર થયું છે કે સરકાર બેંકોના ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે.
જાહેરક્ષેત્રની એકવીસમાંથી ઓગણીસ બેકો ખોટ કરે છે. તેના કારણોમાં ખરાબ લોન કે જેની ઉઘરાણી કે કડક વસુલાત સરકાર કરતી નથી, તે મુખ્ય છે. બેંકોનો નફો ૧,૫૫,૫૬૫ કરોડનો છે પણ ખરાબ લોનના કારણે નફો તો ધોવાઈ ગયો છે, પણ ખોટ ૮૫,૦૦૦ કરોડની થઈ છે. જેના માટે કોઈ બેંક કર્મચારી કે અધિકારી જવાબદાર નથી. કારણકે ખરાબ લોનની વસુલાત માટે કે બેંકોને લૂંટાતી બચાવવા માટે સરકાર કડક કાયદા ઘડતી નથી. અને બેંકોને પૂરતી સતા આપવામાં આવતી નથી.
બેંકોના મર્જરથી બેંક કર્મચારીની નોકરી પર જોખમ ઉભું થશે, સ્ટાફ ફાજલ થશે, વીઆરએસક કે સીઆરએસ આવશે, શાખાઓ બંધ થશે, ગ્રાહક સેવાઓમાં ઓટ આવશે, ખેત-ઉદ્યોગ અને નાના ઉદ્યોગ, કુટીર ઉદ્યોગને પણ અસર થશે. મર્જરના બહાને જાહેરક્ષેત્રની બેંકોને બંધ કરવામાં આવી રહી હોવાનો આક્રોશ બેંક યુનિયનના નેતાઓએ વ્યક્ત કર્યો હતો.