કેન્દ્ર સરકારે ઓનલાઈન દવાના વેચાણ અંગે બહાર પાડેલા ડ્રાફટ પબ્લીક નોટીફીકેશન સામે કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનનો ઉગ્ર વિરોધ: રાજકોટમાં ૬ હોસ્પિટલોમાં ઈમરજન્સી વ્યવસ્થા.
ઓનલાઈન દવાના વેચાણ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફટ પબ્લીક નોટીફીકેશનના મુદાઓ સામે કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં આગામી શુક્રવારે દેશભરમાં દવા બજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરના ૨૪ હજારથી વધુ મેડિકલ સ્ટોર જોડાશે. શહેરમાં અલગ-અલગ ૬ હોસ્પિટલોમાં ઈમરજન્સી વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણના અનુસંધાને ડ્રાફટ પબ્લીક નોટીફીકેશન પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જેના વિરોધમાં એ.આઈ.ઓ.સી.ડી. દ્વારા આગામી ૨૮મીના રોજ એક દિવસ માટે સમગ્ર દેશમાં બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંસ્થામાં ૫૦ હજાર જેટલા સભ્યો જોડાયેલા છે. મેડિકલ બિઝનેસ દેશમાં ૭૦ લાખ લોકોને રોજગારી આપે છે. ઓનલાઈન દવાઓના વેચાણ અંગેના નોટિફિકેશનથી લાખો લોકોને રોજગારી સામે સવાલ ઉભા થાય તેવું છે.
એ.આઈ.ઓ.સી.ડી. દ્વારા આપવામાં આવેલા દવા બજાર બંધના એલાનને સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ સંસ્થામાં કુલ ૪૫ હજાર જેટલા સભ્યો છે. કુલ ૬ ઝોનમાં મળીને ગુજરાત ફેડરેશનની સભ્યસંખ્યા ૨૪ હજાર જેટલી થવા જાય છે. આગામી શુક્રવારે દવા બજાર બંધ હોય કોઈ દર્દી કે નાગરિકને અસુવિધા ઉભી ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જે અંતર્ગત દવા બજાર બંધ દરમિયાન રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, સીનરજી હોસ્પિટલ, એસ.સી.જી. હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને દોશી હોસ્પિટલમાં સામાન્ય નાગરિકને ઈમરજન્સીમાં દવા મળી રહેશે. વધુ વિગત માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનીમેશ દેસાઈ મો.૯૪૨૬૯ ૧૮૩૪૫ અને ઘનશ્યામભાઈ કાલરીયા મો.૯૮૭૯૬ ૦૮૦૮૮, રાજકોટ શહેર માટે અમીતભાઈ મજેઠીયા મો.૯૮૨૪૩ ૨૭૨૭૯, ભરતભાઈ પટેલ મો.૯૮૨૪૪ ૨૫૭૫૮, જયેશભાઈ કાલરીયા મો.૯૮૨૪૫ ૬૮૧૦૦નો સંપર્ક કરવા ધી સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.