વોર્ડ નં.૧,૩ અને ૬ની કુલ છ બેઠકો માટે ૪૦ મતદાનમથકો: ૬૦ ટકા જેટલુ મતદાન થવાની શકયતા
મોરબી નગર પાલિકાની ત્રણ વોર્ડની છ બેઠકો માટે પેટાચૂંટણીમાં આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. જાગૃત મતદારો મતદાન શરૂ થતા જ વહેલી સવારમાં પોતાની મતદાનની ફરજ નિભાવી છે અને મોટાભાગે વડીલોએ ઉત્સાહભેર મતદાન કરવા પહોંચી ગયા હતા.મતદારોનો ઉત્સાહ જોતા સાંજ સુધીમાં ૫૫ થી ૬૦ ટકા જેટલું મતદાન થાય તેવી શકયતા જોવાઇ રહી છે.
મોરબી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આજે વોર્ડ નંબર ૧, ૩ અને ૬ ની કુલ છ બેઠકો માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, કુલ ૪૦ મતદાન મથકોમાં યોજાયેલ આ ચૂંટણીમાં ૪૬ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મતદાન પ્રક્રિયા માટે ૪૦૦ જેટલા ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવી રહ્યા છે.
આજે સવારે મતદાન શરૂ થતા જ મતદારો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોચ્યા હતા અને મોટાભાગે વડીલોએ મતદાનની શરૂઆત કરી તંદુરસ્ત લોકશાહી માટે પોતાની ફરજ નિભાવી હતી.
મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડવાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો વોર્ડ નંબર – ૧ માં બે બેઠકો માટે ૫૧૬૮ પુરુષ મતદાર અને ૪૬૨૨ સ્ત્રી મળી કુલ ૯૭૯૦ મતદારો બે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
એ જ રીતે વોર્ડ નંબર – ૩ માં ૫૯૫૧ પુરુષ અને ૫૪૧૨ સ્ત્રીઓ સહિત કુલ ૧૧૩૬૩ મતદારો એક ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. જ્યારે વોર્ડ નંબર – ૬ માટે પેટાચૂંટણી લડતા ત્રણ ઉમેદવારોનું ભાવિ ૫૨૦૪ પુરુષ મતદાર અને ૪૭૪૨ સ્ત્રી મતદાર મળી ૯૯૪૬ મતદારો આ બેઠકનું ભાવિ નકકી કરશે.
કુલ ત્રણ વોર્ડની પેટાચુટણીમાં કુલ ૪૦ મતદાન મથકો પૈકી ૩૪ મતદાન મથકો સંવેદનશીલ ગણાવવામાં આવતા પોલીસનો ચાપતો બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સવારથી મતદારોનો ઉત્સાહ જોતા સાંજ સુધીમાં ૫૫ થી ૬૦ ટકા મતદાન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભાજપ – કોંગ્રેસના ઉમેદવારોને પોતાનો મત જ નહીં મળે
મોરબી પાલિકાની આજે યોજાયેલી પેટાચૂંટણીમાં વોર્ડ નંબર – ૧ માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાન નહિ કરી શકે ! કારણ, કે બન્ને ઉમેદવારો અન્ય વોર્ડમાં રહેતા હોય પોતાના મતાધિકારનો ઉપયોગ નહિ કરી શકે.
સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયામાં દરેક ઉમેદવાર પોતાને પોતાનો મત આપતા હોય છે પરંતુ આજે યોજાયેલ મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર – ૧ માં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત અને કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ કાવર પોતે પોતાનો મત નહિ મેળવી શકે.
વોર્ડ – ૧ માં પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત ચંદ્રેશનગરમાં અને કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ કાવર રવાપર રોડ પર રહેતા હોવાથી વોર્ડ નંબર – ૧ માં બન્ને ઉમેદવારોના નામ મતદાર તરીકે નોંધાયેલ ન હોય આ પરિસ્થિતિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.