યોગા,આસનો અને કસરતના અભાવે તેમજ મોબાઈલ-ટીવીના વધુ પડતા ઉપયોગથી મેદસ્વિતાના પ્રમાણમાં મોટો વધારો
શરીરનો બાહ્યરીતે સુંદર અને બેડોળ દેખાડવા તેમજ ફીટ રહેવા આજના લોકો ઘણા નુંસખાઓ અપનાવતા થયા છે. પરંતુ જો ખરેખર ફીટ રહેવું જ હોય તો ખાવા પીવા, સુવાની આદતોમાં ફેરફાર તેમજ નિયમીત પણે એકસરસાઈઝ કરવી જરૂરી છે. આમ ન કરવાથી મેદસ્વિતાનું પ્રમાણતો વધે જ છે. પરંતુ આ સાથે અનેક બિમારીઓ પણ ઉભી થાય છે. ગુજરાતમાં મેદસ્વિતાનું પ્રમાણ ખૂબજ વધ્યું છે. ૧૯૯૦થી લઈ ૨૦૧૬ સુધીની વાત કરીએ, તો ૨૬ વર્ષમાં ગુજરાતનાં લોકોમાં મેદસ્વિતાના પ્રમાણમાં અધધ ૧૪૯ ટકાનો વધારો નોંધાયો છે. જે ખરેખર ગંભીર બાબત ગણી શકાય.
ખાવા-પીવાના શોખીન એવા ગુજરાતનાં ‘મીઠડા’ પુરૂષોમાં મેદસ્વિતાનું પ્રમાણ ૧૪૯% વધ્યું છે. જયારે મહિલાઓમાં ૧૨૧.૬% વધ્યું છે. મેદસ્વિતાના પ્રમાણમાં દેશમાં ગુજરાત ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે નોંધાયું છે. વર્ષ ૧૯૯૦માં પુરૂષોમાં મેદસ્વિતાનું પ્રમાણ ૪.૭% જ હતુ જયારે હાલ ૧૧.૬% થઈ ગયું છે. મહિલાઓમાં આ પ્રમાણ ૮% હતુ જેની સામે હાલ ૧૭.૭ ટકા થઈ ગયું છે.
મેદસ્વિતા વધવા પાછળના કારણો જોઈએ તો, જંકફુડ વધારે ખાવા, શારીરીક કસરતો ન કરવી, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો, લાંબા સમય સુધી ટીવી સામે બેસી રહેવું વગેરે મુળભૂત કારણો છે મેદસ્વિતાના લક્ષણો જોઈએ તો દાદરા ચડવાથી કે દોડવાથી હાંફી જવું, નાના-નાના કામમાં પણ થાક લાગવો, ઘૂંટણ, કમર, હાથ-પગના સાંધા દુ:ખાવા વગેરે છે.
મેદસ્વિતના વધતા જતા પ્રમાણને અટકાવવા દરરોજ નિયમિતપણે કસરતો કરવી અને જંકફુડ પર રોક લગાવવી જરૂરી છે.