એક બનો નેક બનો, સત્યના સારથી બની લોકશાહીના રક્ષક બનો: ઈન્દ્રનીલ રાજગુરુ
‘ટીમ ઈન્દ્રનીલ આપના માટે’ દ્વારા સમાજ સેવા લોક જાગરણ અધિકારીની લડાઈ જેવા લોકહિતના કાર્યો કરવા માટે તા.૨ને મંગળવારથી લોક જાગરણ-૨૦૧૮ સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં તા.૨/૧૦ને મંગળવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે પોરબંદરથી પ્રસ્થાન થશે અને સાંજે ૮:૦૦ કલાકે રાણાકંડોરણા પહોંચશે. રાણાકંડોરણાથી પ્રસ્થાન કરી કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, કાગવડ, ગોંડલ નગરયાત્રા તેમજ તા.૮/૧૦ને રવિવારના રોજ સાંજે ૭ વાગ્યે કબા ગાંધીના ડેલા ખાતે યાત્રા પૂર્ણ થશે.
આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. તેમાં માહિતી આપતા ઈન્દ્રનીલભાઈ રાજયગુરુએ જણાવ્યું હતું કે, આપણે લોકોએ સાચા અને સારા લોકપ્રતિનિધિને પારખવાની શકિત ગુમાવી દીધી છે. વ્યકિતગત લોભ, લાલચ, મહત્વાકાંક્ષા, પ્રસિઘ્ધીની ભુખ, યેનકેન પ્રકાર પૈસા કમાવવા જેવા નબળા વિચારોથી આપણે જ સમાજ અને દેશની વ્યવસ્થા ખોરવી નાખી છે. આપણે લોકો રાજકીય પ્રતિનિધિને ખરાબ કહીએ છીએ તો શું આપણી સામાજીક ધાર્મિક વ્યાપારિક સંસ્થાઓ કે સામાન્ય લોકો નૈતિક મૂલ્યો જાળવે છે.
આપણે સાચા અર્થમાં લોકશાહી બચાવવા આપણામાં રહેતા ડર અને સ્વાર્થ જેવા નબળા ગુણોને છોડીને નિડર બનીને સાચા અને સારા વ્યકિતને પારખીને પ્રતિનિધિ બનાવવા શીખીશું, કોઈ રાજકીય પક્ષ કે તેના નેતાને જોઈને નહીં પરંતુ ધર્મ અને જાતિના ભેદભાવ વગર સાચા અને સારા પ્રતિનિધિને પસંદ કરવા જરૂરી છે.
બેદરકાર તંત્ર, પક્ષ, સામાજીક સમુહની મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવવા માટેનો આ મંચ છે. તમે પણ સત્યના સારથી સત્ય બની આ લોક આંદોલનમાં જોડાઈ શકો છો. આ સાયકલ યાત્રામાં સાયકલ અને ટુ-વ્હીલરો બહોળી સંખ્યામાં જોડાશે. આ સાયકલ યાત્રામાં જોડાવા ઈચ્છુકોને ઈન્દ્રનીલભાઈ રાજયગુરુનું કાર્યાલય જીલ્લા પંચાયત ચોક પાસે સ્વામીનારાયણ ડેરીની ઉપર રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.