માતા-પિતાએ પુત્રના અભ્યાસ માટે ખર્ચેલા ૨૦ લાખ રૂપીયા પરત કરવા અગાઉ માંગ કરી હતી: કાઉન્સીલીંગ બાદ સમગ્ર ઘટનાનો સુખદ અંત આવ્યો
અમદાવાદમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં ગત માસે શારીરિક રીતે સક્ષમ માતા-પિતા દ્વારા તેમના પુત્ર પાસે ભરણપોષણ પેટે ૨૦ લાખ રૂપીયા માંગવાની ફરિયાદ થઈ હતી જેનો સુખદ અંત આવ્યો છે. લીલાભાઈ અને ભીખીબેનના ૨૮ વર્ષીય પુત્ર સાધુ થઈ ગયો હતો.
જોકે માતૃપ્રેમ કે કાયદાના હથોડાને લઈ હવે ધર્મપુત્રદાસ સાધુ મટી સંસારમાં પરત ફર્યો છે. દંપતિએ તેમના પુત્ર સામે વળતરની માંગની ફરિયાદ કરી હતી. તેમણે પોતાના પુત્રના અભ્યાસ પાછળ ખર્ચેલા ૨૦ લાખ રૂપીયા રિફંડની માંગ કરી હતી. મહત્વનું છે કે આ કેસમાં ૧૦ સપ્ટેમ્બરના રોજ પ્રથમ કાઉન્સીલીંગ થયું હતું અને ૨૪ સપ્ટેમ્બરના રોજ માતા-પિતા અને દીકરાની બીજી મુલાકાત થવાની હતી. ઉલ્લેખનીય છે કે, ૩ વર્ષ પછી ધર્મપુત્રદાસ ફરી એકવાર ધર્મેશની સંસારમાં પરત ફર્યો છે.
આ અંગે ધર્મેશે જણાવ્યું કે, ઈસ્કોનને મેં પત્ર લખીને મારા નિર્ણય વિશે જાણ કરી છે અને માતા-પિતાની સેવા કરવાની મારી ઈચ્છા વ્યકત કરી છે. હું ધર્મના રસ્તા પર પહેલાની જેમ ચાલીશ સંસારનો ત્યાગ કરીને સાધુ બનવા પાછળના મારા પોતાના કારણો હતા અને સંસારમાં પરત ફરવાનો નિર્ણય પણ મારો પોતાનો છે.
ઉલ્લેખનીય છે કે, લીલાભાઈ ઈએસઆઈસીના નિવૃત આસિસ્ટન્ટ ડાયરેકટર છે. તેઓ જણાવે છે કે, અમને માત્ર અમારા દીકરાની ખુશી જોઈએ છે એમ કયારેય તેના રસ્તામાં અડચણપ નહોતા આવવા માંગતા. તેના વિરુઘ્ધ ફરિયાદ કરવાનું કારણ એ હતું કે અમારી વાત સાંભળતો ન હતો તે ૩ વર્ષ પછી અમારી પાસે પરત આવ્યો છે તે જ વાત અમારા માટે મહત્વની અને આનંદની છે.
મહત્વનું છેકે એક મહિના પહેલા જ આ વૃદ્ધ દંપતિએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી કે તે વૃદ્ધ માતા-પિતા અને દિવ્યાંગ ભાઈને મુકી સાધુ થઈ ગયો છે. લીલાભાઈ અને ભીખીબેને આ અંગે પુત્રના અભ્યાસ માટે ખર્ચેલા ૨૦ લાખ રૂપીયા પુત્ર પરત ફરે તેવું જણાવ્યું હતું જોકે લીલાભાઈને ૩૦ હજાર પેન્શન પેટ આવે જ છે પરંતુ તે ત્રણ વ્યકિતઓના ગુજરાન માટે પુરતા નથી માટે તેમણે સાધુ બનેલા ધર્મેશ પાસે ભરણ પોષણના પૈસા આપવા જણાવ્યું હતું. જોકે લીગલ કાઉન્સીલીંગ બાદ માતૃપ્રેમ અને કાયદાના હથોડાને વશ થઈ સાધુ બનેલો પુત્ર સંસારમાં પરત ફર્યો છે.