ભાઈ ચેતન સંદેસરા, ભાભી દીપ્તી સંદેસરા સહિતનો સમગ્ર પરિવાર પણ નાઈજીરિયામાં છુપાયો હોવાનો ખુલાસો
એક પછી એક બેંક કૌભાંડ છતા થઈ રહ્યા છે. કૌભાંડકારીઓને હિસાબે એનપીએ રેશીયો વધતા બેંકોની સ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે ગુજરાતની સ્ટર્લીંગ બાયોટેકનો માલીક નીતિન સંદેસરા બેંકોને ૫૦૦૦ કરોડનો ધુંબો મારી નાઈઝીરીયા નાસી ગયો હોવાનું ખૂલ્યું છે.
ઈડી અને સીબીઆઈના સુત્રોના જણાવ્યા મુજબ, નીતીન સંદેસરા, તેનો ભાઈ ચેતન સંદેસરા, ભાભી દીપ્તી સંદેસરા અને પરિવારના અન્ય સભ્યો પણ નાઈઝીરીયામાં છુપાયા હોવાનો ખુલાસો થયો છે. અગાઉ એવી ખબર આવી હતી કે, નીતિન સંદેસરા દુબઈમાં છુપાયો છે. ઓગષ્ટ માસના બીજા અઠવાડીયામાં સંદેસરા દુબઈમાં યુએઈ ઓથોરીટીએ હિરાસતમાં લીધો હતો પરંતુ હવે તે નાઈઝીરીયા છે તેમ જાણવા મળ્યું છે.
જો કે, ઈન્વેસ્ટીગેશન એજન્સીઓએ યુએઈ ઓથોરીટીને સંદેસરાની ધરપકડની અરજી આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, સંદેસરાના પરિવારને રેડ કોર્નર નોટિસ પણ ફટકારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે હજુ એ જાણ નથી થઈ શકી કે, સંદેસરા પરિવાર ભારતીય પાસપોર્ટની સાથે નાઈઝીરીયા ફરાર થયો છે કે કોઈ અન્ય દેશોના પાસપોર્ટની સાથે
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ અને ઈડીએ વડોદરા સ્થિત સ્ટર્લીંગ બાયોટેકન નિર્દેશકો, નિતિન, ચેતન, દીપ્તી સંદેસરા, રાજભુષણ ઓમપ્રકાશ દીક્ષીત, વિલાશ જોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમંત હડી, આંધ્ર બેંકના પૂર્વ નિર્દેશક અનુપગર્ગ સહિતના અન્ય લોકો વીરૂધ્ધ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.