જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભુસ્ખલનથી તારાજી
હિંમતનગર અને ભીલોડામાં ૬ ઈંચ વરસાદ: ઈડરમાં ૫ ઈંચ, વિજયનગર અને વિજાપુરમાં અઢી ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં લખતર અને લીંબડીમાં હળવા ઝાપટા
નબળા ચોમાસાની દહેશત વચ્ચે આજે વાતાવરણમાં ફરીથી પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણનો અનુભવ અનેક વિસ્તારોમાં થયો છે. બીજી તરફ ઉત્તર ભારત તથા જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક ભારે વરસાદના પગલે ભુસ્ખલન થયું છે. પરિણામે લાંબો ટ્રાફિકજામ થયો છે. ઉંચા વિસ્તારોમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાના પગલે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ચૂકયું છે. રાજયના ત્રણથી વધુ જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રોહતાંગ પાસને હાલ પુરતો બંધ રખાયો છે. ભારે વરસાદના પગલે ફસાયેલા ૨૦ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. ઉત્તર ભારતથી ગુજરાત નજીક વાતાવરણમાં મસમોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપૂરતા વરસાદના કારણે રાજયભરમાં અછતનો ઓછાયો વર્તાય રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજયમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગઈકાલે રવિવારે રાજયના ૧૫ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને લખતર તાલુકામાં હળવા ઝાપટાને બાદ કરતા એક પણ સ્થળે મેઘરાજાએ મહેર કરી નથી. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ૧૪૫ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના હિલોરાડામાં ૧૪૪ મીમી, સાબરકાંઠાના ઈડરમાં ૧૧૫ મીમી, વિજયનગરમાં ૭૭ મીમી, મહેસાણાના વિજાપુરમાં ૬૭ મીમી, અરવલ્લીના મેઘરજમાં ૫૫ મીમી, વડાળીમાં ૪૬ મીમી, કઠલાલમાં ૪૫ મીમી, મહેસાણા શહેરમાં ૪૦ મીમી, મોડાસામાં ૩૮ મીમી, ખેડબ્રહ્મામા ૩૭ મીમી, પ્રાંતીજમાં ૩૩ મીમી, સાસરામાં ૨૪ મીમી, ધનસુરામાં ૨૩ મીમી, કપડવંજમાં ૧૯ મીમી, ખેડામાં ૧૯ મીમી, મોરવાળડફમાં ૧૯ મીમી, ખાનપુમાં ૧૯ મીમી, ફતેપુરામાં ૧૯ મીમી, ઉમરેટમાં ૧૭ મીમી, સહેરામાં ૧૭ મીમી, ખાલોદમાં ૧૬ મીમી, માલપુરમાં ૧૬ મીમી, ગલતેશ્વરમાં ૧૫ મીમી, સંતરાપુરમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૬.૫૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજયમાં હજી ૨૪ ટકા જેટલી વરસાદની ઘટ હોવાના કારણે આગામી ઉનાળામાં જળકટોકટી સર્જાવવાની દહેશત રહેલી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જળાશયો ખાલી ખમ્મ છે.
કચ્છમાં માત્ર ૨૬.૫૧ ટકા જ વરસાદ વરસ્યો છે જયારે ઉતર ગુજરાતમાં ૪૭.૮૩ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૧.૫૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૨.૭૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૬.૩૪ ટકા જેટલો વરસાદ પડયો છે. હાલ રાજયમાં સાર્વત્રિક અને ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી છતાં લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે તેવી સંભાવના જણાઈ રહી છે.