આલોક વર્મા સીબીઆઈના પ્રવકતાનો ઉપયોગ પોતાની કલીનચીટ માટે કરતા હોવાનો ગંભીર આરોપ
દેશની સૌથી વિશ્વસનીય ગણાતી તપાસ સંસ્થા સીબીઆઈમાં અધિકારીઓ વચ્ચેનો ખટરાગ ઉપસી આવ્યો છે. સીબીઆઈના ડાયરેકટર આલોક વર્મા સામે કેટલાક અધિકારીઓએ આક્ષેપ કર્યા છે. ત્યારે આલોક વર્મા પોતાની ઉપર થયેલા આક્ષેપોનો જવાબ સીબીઆઈના પ્રવકતાની ઓફિસના માધ્મયથી કરતા હોવાનો વિવાદ વધુ વકર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આલોક વર્મા સામે સીબીઆઈના નિવૃત તેમજ હાલ નોકરી ઉપર છે તેવા અધિકારીઓ દ્વારા ગંભીર આક્ષેપ થયા છે. ૧૯૮૪ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાના હાલ સીબીઆઈના સ્પેશ્યલ ડિરેકટર છે. અસ્થાનાએ અગાઉ વર્મા ઉપર આક્ષેપ કર્યા હતા. આર.જે.ડી.ના વડા લાલુપ્રસાદ યાદવ સામેની રેડમાં વર્માએ ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ થયો હતો. બીજી તરફ વર્માએ પોતાને જ કલીન ચીટ આપી હોવાની વાત પણ બહાર આવી છે.
સૂત્રોના મત અનુસાર સીબીઆઈના ડિરેકટર સામેના આક્ષેપોનો જવાબ ખુબ સીબીઆઈના પ્રવકતા કઈ રીતે આપી શકે. હજુ સુધી સીબીસી ઈન્કવાયરી થઈ ન હોય ત્યારે આ પ્રકારના પગલા લઈ શકાય નહીં તેવું પણ માનવામાં આવે છે. સીબીઆઈના ડિરેકટર ઉપરના ગંભીર આક્ષેપોના કારણે અનેક વિવાદો થશે.
અહીં ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દેશની સૌથી ભરોસા પાત્ર પૈકીની એક છે. ત્યારે તેના ડિરેકટર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચેના આક્ષેપોના કારણે સંસ્થાની વિશ્વસનીયતા ઉપર કલંક લાગી રહ્યો છે. સીબીઆઈમાં આર્થિક તેમજ તપાસ માટે કેટલાક કૌભાંડો થયા હોવાનો આક્ષેપ છે જે પૈકી સેન્ટ્રલ વિજીલન્સ કમીશન કયારે તપાસ કરશે તે પણ મહત્વનો મુદ્દો છે.