પ્રદર્શનમાં સી.આર.સી.કક્ષાએ પસંદ થયેલ તાલુકાની ૩૬ શાળાના બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો
પ્રદર્શનમાં સી.આર.સી.કક્ષાએ પસંદ થયેલ વિવિધ પાંચ વિભાગોની કૃતિઓ સાથે તાલુકાની ૩૬ જેટલી શાળાનાં બાળવૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ નાના બાળવૈજ્ઞાનિકોની મહેનત તથા વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્માણ પામેલ કૃતિને બિરદાવવા માટે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મોહનભાઈ પરમાર, જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ, ગામના સરપંચ અશોકભાઈ વર્મા, તાલુકા શિક્ષણાધિકારી કિશોરભાઈ ગજેરા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર આશિષભાઈ રામાનુજ, શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ પનારા, મહામંત્રી ગેલાભાઈ જારીયા, તમામ સી.આરસી કો ઓર્ડિનેટર તથા માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનની શરૂઆત શાળાની બાળાઓએ પ્રાર્થના સ્વાગતગીત રજુ કરીને કરી હતી. શિક્ષણ સમિતિના ચેરમેને પોતાના વકતવ્યમાં જણાવ્યું કે બાળકોએ ભારતનું ભવિષ્ય છે. નાની ઉંમરમાં બાળકોમાં વિકસેલ વૈજ્ઞાનિક અભિગમ થકી તંદુરસ્ત અને વિકસિત ભારતનું નિર્માણ શકય છે. પોતાના બાળપણના સ્મરણોને વાગોળતા બાળકોને જીવનની સફળતા માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને તેમજ માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ ભાગ લેનાર તમામ શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવ્યું. કાર્યક્રમની પૂર્ણાહુતીમાં બીઆરસી કો-ઓર્ડીનેટર આશિષભાઈ રામાનુજ દ્વારા પ્રદર્શનને સફળ બનાવવા બદલ તેમજ પસંદ થયેલ કૃતિને જિલ્લાકક્ષાએ પહોંચી ત્યાં તાલુકાનું નામ રોશન કરવા બદલ અભિનંદન આપી આભાર પ્રગટ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સફળ સંચાલન સી.આર.સી. મહેશભાઈ તથા બી.આર.પી. ભરતભાઈ મેંદપરા દ્વારા કરવામાં આવ્યું હતું.