લાશની બારોબાર અંતિમવિધિ કરે તે પહેલા જ પોલીસે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો: મૃતકના નજીકના બે સગાની અટકાયત.
શહેરની ભાગોળે આવેલા હડમતીયા ગોલીડા ગામની ૮૦ વર્ષની કાઠી વૃદ્ધાની મિલકતના પ્રશ્ર્ને કુટુંબી સગાઓએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને બારોબાર અંતિમવિધિ કરતા હોવાની આજીડેમ પોલીસને જાણ થતાં પોલીસે લાશનો કબજો સંભાળી પોર્સ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા મનાતા બે શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હડમતીયા ગોલીડા ગામે રહેતી મણીબેન નાનાભાઈ ખાચર નામના ૮૦ વર્ષના કાઠી વૃદ્ધાની તેના નજીકના સગાઓએ હત્યા કરી પોલીસને જાણ કર્યા વિના જ મૃતદેહની અંતિમવિધિ કરવા સ્મશાને લઈ ગયા હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં નનામો ફોન આવતા આજી ડેમ પોલીસ મથકની પીસીઆર વાન હડમતીયા ગોલીડા ગામે તપાસ અર્થે મોકલી હતી.
પીસીઆર વાનના સ્ટાફે તપાસ કરતા દિનેશ અને કાળુ નામના શખ્સો મણીબેનની અંતિમવિધિ કરવા માટે સ્મશાન ગયા હોવાનું ગોલીડા ગામમાંથી જાણવા મળતા પીસીઆર વાન ગોલીડા ગામના સ્મશાન તપાસ અર્થે ગઈ હતી.
પોલીસને જોઈ મણીબેન ખાચરનો મૃતદેહ મુકી ચાર શખ્સો ભાગી જતાં હત્યાની દ્રઢ શંકા સાથે પીસીઆર વાનના સ્ટાફે આજી ડેમ પોલીસ મથકના પીઆઈ પી.એન.વાઘેલાને જાણ કરતા તેઓ સરધાર ચોકીના પીએસઆઈ વાઘેલા, પીએસઆઈ કડછા, હેડ કોન્સ. નરેન્દ્રભાઈ ચાવડા અને હરપાલસિંહ સહિતનો સ્ટાફ ગોલીડા ગામના સ્મશાને દોડી ગયો હતો.
તપાસ દરમિયાન મૃતદેહ ગોલીડા ગામે જ રહેતા મણીબેન નાનાભાઈ ખાચરનો હોવાનો અને તેની અંતિમવિધિ કરવા માટે તેના નજીકના સગા દિનેશ અને કાળુ સહિતના શખ્સો લાશને સ્મશાને લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. મણીબેન ખાચરના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઈજાના નિશાન જોવા મળતા હત્યા થયાનું જણાતા લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દિનેશ અને કાળુની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
અગાઉ દારૂ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા દિનેશ નામના શખ્સે મણીબેનની મિલકત પોતાના નામે કરી લેવા માટે હત્યા કરાઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મણીબેન ખાચરની હત્યા કર્યા બાદ યુટીલીટીમાં મૃતદેહ સ્મશાને પહોંચાડયા બાદ તે જ યુટીલીટીમાં લાકડા અને પ્લાસ્ટીકનો જથ્થો લઈ સ્મશાને દિનેશ અને કાળુ પહોંચ્યા તે દરમિયાન પોલીસે પણ પહોંચી જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હોવાનું જાણવા મળે છે.