સૌરાષ્ટ્રના નામાંકિત આંખના સર્જન અને કાલાવડ તાલુકાના ડો.અનુરથ સાવલીયા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ, સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન, સમુહ લગ્નોત્સવ, વિનામૂલ્યે ગરીબ લાભાથીઓને મોતીયાના ઓપરેશન, વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ રાહતદરે સારવાર કેમ્પના આયોજન અવાર-નવાર કરી રહ્યા છે.
તેમજ કાલાવડ શહેર તથા રાજકોટ શહેરમાં વર્ષોથી સેવાની સુવાસ સાથે ડો.સાવલીયા હોસ્પિટલ કાર્યરત છે ત્યારે આગામી રવિવારના સવારના ૯ થી ૧ વાગ્યાના સમય દરમિયાન રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના મેટોડા ગામે ગ્રામ પંચાયત કચેરીની બાજુમાં, પ્રાથમિક શાળામાં ડો.સાવલીયા હોસ્પિટલ તેમજ શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ-મેટોડાના સહયોગથી નેત્રનિદાન કેમ્પ તેમજ રાહતદરે સારવાર કેમ્પનું આયોજન કરેલ છે.
જેમાં ડો.સાવલીયા હોસ્પિટલ ડોકટર્સ ટીમ વિનામૂલ્યે સેવા આપશે. જેમાં ડો.અનુરથ સાવલીયા, ડો.પ્રવિણા એ.સાવલીયા, ડો.શીલ્પા ગોરણીયા, ડો.સી.એન.વેકરીયા, ડો.શ્રેયાબા રાજપૂત, ડો.પ્રિયંકા કથીરિયા સેવા આપશે. કેમ્પની વિશેષતામાં રાહતદરે સારવાર તથા ઓપરેશન, કોમ્પ્યુટર દ્વારા નંબર ચેક કરી આપવામાં આવશે. જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટ ખાતે સાવલીયા આંખની હોસ્પિટલમાં તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તેમજ મોતીયા, વેલ તેમજ ઝામરની તપાસ પણ કરી આપવામાં આવશે તો આ નેત્રનિદાન કેમ્પ તેમજ રાહતદરે સારવાર કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓ લાભ મેળવે તેવા ડો.સાવલીયા હોસ્પિટલની ટીમ તથા શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ-મેટોડા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.