રંગાણી હોસ્પિટલ, અક્ષર ડેવલોપર્સ, કસ્તુરી કાયા સહિતના સ્થળોએથી મચ્છરના લારવા મળ્યા
શહેરમાં મેલેરિયા-ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ૧ વર્ષમાં મચ્છરની ઉત્પતિ સબબ ૫૦૯૬ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ.૩.૮૩ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.આજે આરોગ્ય શાખા દ્વારા શાળા, હોસ્પિટલ, બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ સહિત કુલ ૩૩૬ પ્રિમાઈસીસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ૧૫૦ ફુટ રીંગ રોડ પર અક્ષર ડેવલોપર, રંગાણી હોસ્પિટલ, જીવરાજ પાર્કમાં કસ્તુરી કાયા, પાર્ક એવન્યુ, પંચટાવર, રેનોલ્ટ શો રૂમ સહિતની ૪ બાંધકામ સાઈટ પર મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. ગત સપ્તાહે પણ ૨૨૩ આસામીઓને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ આપી રૂ.૪૯,૯૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન ૫૦૯૬ લોકોને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી રૂ.૩,૮૩,૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.