ઈન્દૌર, ગ્વાલીયર, ભોપાલ અને ઉજજૈન માફક શહેરને સ્વચ્છ રાખવા ભારત સરકારની એજન્સીને એક વર્ષ માટે કોર્પોરેશન હાયર કરશે: સ્ટે.ચેરમેન ઉદય કાનગડ.
દેશના સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની યાદીમાં ટોપ-૨૦ માંથી પણ બહાર ફેંકાઈ ગયેલા રાજકોટને દેશનું નં.૧ સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા સલાહ ખરીદવામાં આવશે. ઈન્દૌર, ગ્વાલીયર, ભોપાલ અને ઉજજૈન જેવા શહેરોની માફક રાજકોટમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે મહાપાલિકા દ્વારા ભારત સરકારની એજન્સી એન.આઈ.સી.એસ.આઈ.ને એક વર્ષ માટે હાયર કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા હાલ સ્વચ્છતાને જ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઉજજૈન, ભોપાલ, ઈન્દૌર અને ગ્વાલીયર જેવી સ્વચ્છતા રાજકોટમાં પણ જોવા મળે તે માટે સ્વચ્છ ભારત પ્રોજેકટ તથા રાજકોટ મહાપાલિકાના વિવિધ પ્રોજેકટો માટે એન.આઈ.સી.એસ.આઈ દ્વારા એમ્પેનલ્ડ વિષયના નિષ્ણાંતોની સેવા લેવામાં આવશે.
સ્વચ્છ ભારત અભિયાનના કેટલાક લોંગ્સ અને પ્રોટોકોલ હોય છે તેની જાળવણી કરવા માટે કોર્પોરેશન દ્વારા આગામી એક વર્ષ માટે ભારત સરકારની નેશનલ ઈન્ફોમેટીક સેન્ટર સર્વિસીઝ ઈન્પોરેટેડ (એનઆઈસીએસઆઈ)ના નિષ્ણાંતોની સેવા લેવામાં આવશે. આ એજન્સીના ૬ સભ્યોની ટીમ સતત રાજકોટને સ્વચ્છતા માટે માર્ગદર્શન પુરુ પાડશે જેને મહાપાલિકા દ્વારા નિયમાનુસાર પગાર ચુકવવામાં આવશે. હાલ આ એજન્સીઓ મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં સેવા આપી રહી છે અને જેના કારણે સ્વચ્છતામાં સારા એવા પરીણામો જોવા મળ્યા છે.
મહાપાલિકા દ્વારા પણ આ એજન્સીની સેવા હાયર કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯માં સ્ટાર રેન્કીંગ ફોર યુએલબીના વિવિધ પ્રોટોકોલ અંતર્ગત શહેરમાં વ્યકિતગત શૌચાલય, સામુહિક શૌચાલય, સુકો-ભીનો કચરો અલગ કરવો, ડોર ટુ ડોર કચરો એકત્ર કરવો, સુકા અને ભીના કચરાનો વૈજ્ઞાનિક પ્રક્રિયાથી નિકાલ કરવો, સ્માર્ટ ગાર્બેજ ટ્રાન્સફરસ્ટેશન બનાવવું, કમ્પોસ્ટ ખાતર દ્વારા કચરાનો નિકાલ કરવો, બિન વસાવવા અને સ્માર્ટ સોસાયટીમાં શૌચાલય અને કચરાના વર્ગીકૃત સહિતની કામગીરી હાથ ધરવાની થાય છે જેના માટે ભારત સરકારની એન.આઈ.સી.એસ.આઈ દ્વારા ઈન્પેલન્ટ વિષય નિષ્ણાંતો રાજકોટને સલાહ સહિતની સેવાઓ આપશે
બેડીનાકા અને રૈયાનાકા ટાવરની ઘડિયાળના ડંકા ફરી સંભળાશે
ઐતિહાસિક ટાવરોની ઘડિયાળ રીપેરીંગ માટે ખર્ચ મંજુરી અંગે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
શહેરના ઐતિહાસિક રૈયાનાકા ટાવર અને બેડીનાકા ટાવરના ખાતેની ઘડિયાળો રીપેરીંગના અભાવે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે આ બંને ટાવરની ઘડિયાળોના ડંકા ફરી રણકતા થઈ જશે. ઐતિહાસિક ટાવરોની ઘડિયાળ રીપેરીંગ માટે ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે.
રૈયાનાકા અને બેડીનાકા ટાવરની ઘડિયાળો ફરીથી શ થાય તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અનેકવાર એજન્સી દ્વારા વિઝીટ લીધા બાદ ઘડિયાળ રીપેરીંગ માટે મેસર્સ ગણેશ વોચ કંપની દ્વારા ભાવ રજુ કરવામાં આવ્યા હતા જેને મંજુરી આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
ચોમાસુ વિત્યા બાદ કોર્પોરેશન ખરીદશે ૬ હજાર ટ્રી-ગાર્ડ એક શ્ર્વાનના ખસીકરણ માટે ચુકવાશે રૂપિયા ૨૦૩૫
વૃક્ષારોપણ અભિયાનની મસમોટી ડંફાશો નાખતા મહાપાલિકાના શાસકો વાસ્તવિકતાથી ઘણા છેટા હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે વૃક્ષારોપણ માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસાને ગણવામાં આવતો હોય છે અને આજ દિવસોમાં રોપાયેલા વૃક્ષોના જતન માટે ટ્રી-ગાર્ડનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાપાલિકાના અધિકારીઓની બુદ્ધિ જાણે જતી રહી હોય તેમ ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ હવે ૬ હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં રખડતા-ભટકતા કુતરાના ત્રાસમાંથી રાજકોટવાસીઓને મુકત કરાવવા માટે વધુ બે વર્ષ શ્ર્વાન ખસીકરણનો કોન્ટ્રાકટ આપવામાં આવશે. એક શ્ર્વાનના ઓપરેશન માટે મહાપાલિકા દ્વારા રૂપિયા.૨૦૩૫ ચુકવવામાં આવશે.
ચોમાસાની સીઝન દરમિયાન વૃક્ષપ્રેમીઓના પગના તળીયા ટ્રી-ગાર્ડ લેવા માટે કોર્પોરેશનની કચેરીના પગથીયા ચડી-ચડીને ઘસાઈ ગયા બાદ હવે મહાપાલિકા તંત્ર ચોમાસુ વિત્યા બાદ રૂપિયા.૬૪ લાખના તોતીંગ ખર્ચે ૬ હજાર નંગ ટ્રી-ગાર્ડની ખરીદી કરશે. સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજુર કરાયા બાદ તેને વહિવટી મંજુરી મળ્યા બાદ ટ્રી-ગાર્ડનું આગમન થશે અને ત્યારબાદ વિતરણ થશે એટલે કે ટ્રી-ગાર્ડનું વિતરણ શરૂ થશે ત્યાં સુધીમાં લગભગ નવરાત્રીના તહેવારો આવી જશે. દર વર્ષે ભેદી રીતે ટ્રી-ગાર્ડની ખરીદીમાં ઢીલ રાખવામાં આવે છે જેના કારણે વૃક્ષારોપણ અભિયાનનું બાળમરણ થઈ જાય છે.