ચીનના ૧૪ લાખ કરોડના માલ-સામાન પર ટેરીફ ઝીંકવાનો અમેરિકાનો નિર્ણય
જગત જમાદાર અને ડ્રેગન વચ્ચેની ટ્રેડ વોર ઘેરી બની
વિશ્વમાં અત્યાર સુધી પોલીટીકલ વોરની બોલબાલા હતી. બે દેશ વચ્ચે રાજકીય વિચારધારામાં મતભેદના કારણે વોર છેડાઈ જવાની સંભાવના હતી. ઘણા દેશોના રાજકારણમાં શત્રુ દેશ અટકચાળા કરતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. હવે સમય બદલાયો છે પોલીટીકલ વોરની જગ્યા ટ્રેડ વોર લઈ રહી છે. કોઈ દેશને પછાડવા માટે તેને આર્થિક રીતે હાની પહોંચાડવી સૌથી પહેલી પ્રાથમિકતા બની ગઈ છે. આવું જ ઉદાહરણ વિશ્વને અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરમાં જોવા મળ્યું છે.
અમેરિકાએ ચીનની ૧૪ લાખ કરોડની પ્રોડકટ ઉપર જકાત નાખવાનો નિર્ણય લેતા સમગ્ર વિશ્વમાં ઘેરા પડઘા પડયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટ્રેડના માધ્યમથી ચૂંટણીમાં અટકચાળો કરાયાનો આક્ષેપ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ચીને અમેરિકાની કૃષિ તેમજ ઉદ્યોગ ક્ષેત્ર ઉપર વેપારના શસ્ત્રથી હુમલો કર્યો છે. ઉપરાંત ખેડૂતોને ટાર્ગેટ કરી ચીન અમેરિકાની ચૂંટણીમાં અટકચાળો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વર્ષની શરૂઆતમાં અમેરિકાએ ચીનના ૫૦ બીલીયન ડોલરના માલ-સામાન ઉપર જકાત નાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આ સામાનની સંખ્યા વધતી જઈ રહી છે. અમેરિકામાં આયાત થતાં ચીનના સામાન ઉપર ધીમે ધીમે મક્કમતાથી ડયુટી વધારવામાં આવી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચેનું આ ટ્રેડ વોર ભારતને પણ અમુક અંશે અસર કરી શકે છે. અત્યારે ભારતે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ત્યારે આ નીતિ કેટલી ફાયદાકારક નિવડશે તે આગામી સમય બતાવશે.
હાલ તો અમેરિકા અને ચીન વચ્ચેની અગાઉની પોલીટીકલ વોર હવે ટ્રેડ વોરનું સ્વરૂપ ધારણ કરતી જાય છે. ભૂતકાળમાં સામ્યવાદી રશિયા સાથે લોકતંત્ર ધરાવતા અમેરિકાની વિચારધારામાં ફેર હોવાથી યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું હતું. હવે રશિયાની જગ્યા ચીને લઈ લીધી છે. બન્ને દેશો વચ્ચે અત્યારે પોલીટીકલ નહીં પરંતુ ટ્રેડવોર જેવો માહોલ છે. અમેરિકાએ ૧૪ લાખ કરોડના માલ-સામાન ઉપર જકાત (ટેરીફ) નાખવાનો નિર્ણય લીધા બાદ હવે ચીનના પગલા શું રહેશે તે જોવાનું રહ્યું.