૧૯૮૦ થી ૨૦૧૫ સુધીમાં કૃષિ ક્ષેત્રે મુડી રોકાણ ઘટતા એગ્રી જીડીપીમાં ગાબડુ
બજારમાં પહોંચે તે પહેલા જ ૩૩ ટકા ખેત પેદાશોનો નાશ થઈ જતો હોવાથી ઈન્ફાસ્ટ્રકચરના વિકાસની તાતી જરૂરી
ખેતીના વિકાસ માટે માત્ર સબસીડી નહીં પરંતુ મુડી રોકાણ આવશ્યક હોવાનું નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે. મુડી રોકાણ ખેતી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવશે. જયારે સબસીડીથી ખેતીક્ષેત્ર પગભર થઈ શકશે નહીં. ભારત જેવા ખેતી ઉપર વધુ આધારિત દેશ માટે કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવું વધુ આવશ્યક છે.
ખેતીક્ષેત્રના વિકાસ રૂધાવા પાછળના કારણો પૈકી ઓછા પ્રમાણમાં મુડી રોકાણ પણ જવાબદાર છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ખેતીને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે પરિણામે ઉદ્યોગનો દરજ્જો પામેલા ખેતી ક્ષેત્રમાં મુડી રોકાણનું પ્રમાણ ભારત કરતા અનેકગણુ છે.
ભારતમાં ખેતી ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ હોવા છતાં ફાયનાન્સ સેકટરને તેને સૌથી વધુ નજર અંદાજ કરે છે. ખેતીની જમીન મોર્ગેજ થતી નથી. એક એકર દીઠ સરેરાશ રૂ.૫ થી ૭ હજારનું ધિરાણ મળતું હોવાની ફરિયાદ અવાર નવાર ઉઠે છે. એક રીતે જોઈએ તો પાંચ કરોડની કિંમતી જમીન હોય તો પણ ધિરાણનું પ્રમાણ માત્ર ૫૦ હજાર સુધી જ હોય છે.
કૃષિના વિકાસ માટે સૌથી વધુ આવશ્યકતા ગુણવત્તાસભર ઉત્પાદકતાની છે. કૃષિમાં ઉત્પાદકતામાં સારા પ્રમાણનો વધારો થશે તો આપોઆપ સબસીડીનો આશરો લેવાની જરૂર નહીં પડે. અત્યાર સુધીની તમામ સરકારોએ ખેતીને સધ્ધર કરવાના પ્રયાસો કર્યા નથી તેવું માનવામાં આવે છે. મોદી સરકાર આ મુદ્દે એક ડગલુ આગળ રહી ખેતીને પગભર કરવા મુડી રોકાણ લાવવા સહિતના પ્રયાસો કરી રહી છે.
ભારતીય ખેડૂતોની આવક ઓછી રહેવા પાછળ ઈન્ફાસ્ટ્રકચરની ખામી પણ જવાબદાર છે. આંકડા મુજબ ૩૩ ટકા ઉત્પાદન બજારમાં પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જાય છે. કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન તેમજ રોડ રસ્તાની ઉણપના કારણે વર્ષે કરોડો રૂપિયાના ઉત્પાદનો માર્કેટ સુધી પહોંચતા જ નથી. ત્યારે ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવો સૌથી આવશ્યક ગણાય છે.
નાણામંત્રીએ કૃષિ ક્ષેત્રમાં ઈન્ફાસ્ટ્રકચર તરફ મુડી રોકાણ વધે તે માટે પગલા લીધા છે. ખેતીની આવક વધવાની સાથે જ દેશમાંથી ગરીબી દૂર થઈ શકે છે. આંકડાનુસાર વર્ષ ૧૯૮૦ થી ૨૦૧૫ સુધીના ૩૫ વર્ષના ગાળામાં કૃષિ ક્ષેત્રમાં મુડી રોકાણ ઘટતાની સાથે જ કૃષિ આધારિત જીડીપી પણ ઘટી ગઈ છે.
વર્ષ ૧૯૮૦માં મુડી રોકાણનું પ્રમાણ ૩.૯ ટકા હતું જે વર્ષ ૨૦૧૪-૧૫માં ઘટીને ૨.૨ ટકા સુધી પહોંચી ગયું છે. જેની સામે ઈન્પુટ સબસીડીનું પ્રમાણ ૨.૮ ટકાથી વધી ૮ ટકા સુધી પહોંચી ચુકયું છે. પરિણામે ખેતી ક્ષેત્રનો વિકાસ થયો છે.