બાઈકની ચોરી કરી ત્રણ મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કર્યાની કબુલાત.
શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસેથી ભક્તિનગર પોલીસે ચોરાઉ બાઈક સાથે ઝડપેલા બે શખ્સોની પુછપરછ દરમિયાન ત્રણ મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કર્યાની કબુલાત આપી છે. બન્ને શખ્સોની સાથે સંડોવાયેલ સૂત્રધારની ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ધરપકડ કરી છે.
મનહરપરા મેઈન રોડ પર રહેતા અને ૧૫થી વધુ ચેનની ચીલઝડપના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલા સુરેશ ઉર્ફે સુનિલ ઉર્ફે ચોટો હરી બાબરીયા અને રાજમોતી મિલ પાસે આવેલ અંબીકા સોસાયટીના મુકેશ વજુ પરમાર નામના શખ્સોને સોરઠીયાવાડી સર્કલ પાસેથી ભક્તિનગર પીઆઈ વી.કે.ગઢવી, પીએસઆઈ પી.એમ.ધાકડા, હેડ કોન્સ. પ્રકાશભાઈ વાંક અને વાલજીભાઈ જાડા સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.
બન્નેની પુછપરછ દરમિયાન રૂડા નગર-૨ પાસેથી બાઈકની ચોરી કરી શક્તિ ઉર્ફે ટબુડી વિનુ સોલંકીની સાથે મળી ભક્તિનગર સોસાયટી, ગીતા મંદિર અને મિલપરામાંથી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કર્યાની અને તેની સાથે મનહરપરાના શક્તિ ઉર્ફે ટબુડી વિનુ સોલંકી નામનો શખ્સ સંડોવાયો હોવાની કબુલાત આપી હતી.
પોલીસે બન્ને શખ્સો પાસેથી રૂ.૪૦ હજારની કિંમતનું બાઈક અને ૬૦ હજારની કિંમતના સોનાના ઢાળીયા કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.પી.ઉનડકટ, એએસઆઈ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ. ભરતભાઈ વનાણી, સામતભાઈ ગઢવી અને જયંતીભાઈ ગોહિલ સહિતના સ્ટાફે ચિલઝડપના ગુનામાં નાસ્તા ફરતા શક્તિ ઉર્ફે ટબુડી વિનુ સોલંકીની ધરપકડ કરી પુછપરછ કરતા તેને રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ગોંડલ, ટંકારા, વાંકાનેર અને મોરબીમાં ત્રણ લૂંટ અને સાત જેટલા વાહન ચોરી તેમજ ૩૦થી વધુ ચેનની ચિલઝડપ કર્યાની કબુલાત આપી છે.