જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ઉપર આવશે તો દેશના તમામ ખેડુતોનું દેવુ માફ કરાશે: રાહુલબાબાનું વચન
લાખો-કરોડોનું દેવુ માફ કરવાથી દેશના અર્થતંત્રને મરણતોલ ફટકો પડી શકે
વૈશ્વીક કારણો તથા નોટબંધી જેવા નિર્ણયોના પરીણામે હાલ ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે. ડોલર સામે રૂપિયો પડી રહ્યો છે. ફુગાવો કાબુમાં લેવા સરકાર ઉંધા માથે થઈ છે. અનેક પ્રકારની સબસીડીનું ભારણ દેશના અર્થતંત્ર ઉપર છે ત્યારે ચુંટણી નજીક આવતા જ વિવેકબુદ્ધિ વિના વચનોની લ્હાણીની મોસમ ફુલ બહારમાં ખીલી છે.
૨૦૧૪ની લોકસભા ચુંટણી વખતે જેમ ભારતીય જનતા પક્ષે ઈંધણના ભાવ તેમજ મોંઘવારી કાબુમાં રાખવાનું મસમોટુ વચન આપ્યું હતું પરંતુ આજની સ્થિતિ અલગ છે તેમ આ પ્રકારના વચન આપવામાં કોંગ્રેસ પણ ભાન ભુલી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જો કોંગ્રેસ કેન્દ્રમાં સતામાં આવશે તો સમગ્ર દેશમાં ખેડુતોના દેવા માફ કરવાનું વચન આપી દીધું છે !
દેવુ માફ કરવાનું વચન આપતી વખતે રાહુલ ગાંધી અર્થતંત્ર ઉપર કેટલું ભારણ આવી શકે તે વાત ભુલી ગયા છે. જો એકલુ ગુજરાત ખેડુતોનું દેવુ માફ કરે તો રાજય સરકારની તિજોરી ઉપર ૭૫ હજાર કરોડ જેટલો તોતીંગ બોજ આવી પડે. બજેટનો ૪૫ ટકા ભાગ ગુમાવવો પડે આવી પરિસ્થિતિએ જો સમગ્ર દેશના ખેડુતોનું દેવુ માફ કરવાનો નિર્ણય લેવામાં આવે તો દેશનું અર્થતંત્ર પડી ભાંગે. આવા વચનોના કારણે જે વ્યકિત દેણુ કરવા માટે ઈચ્છા ધરાવતો હોય તેને પણ નાણા ન ભરવાની દુષપ્રેરણા મળે તેવું માનવામાં આવી રહ્યું છે.
મોદી સરકારે નોટબંધીનો નિર્ણય લીધા બાદ આજસુધી દેશનું અર્થતંત્ર પાટે ચડયું નથી. નોટબંધીનો મરણતોલ માર અર્થતંત્ર સહન કરી શકયું નથી. નોટબંધીમાં તો જુની નોટો બદલીને નવી નોટો આપવાની હતી છતાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે જયારે લાખો-કરોડોનું દેણુ માફ કરવાના નિર્ણયથી તો અર્થતંત્ર તુટી પડે તેવો ભય છે.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ આપેલું વચન કેવી રીતે પાડી શકાય તે મુદ્દે જ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ગઈકાલે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ સરકાર ઉપર શાબ્દીક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ કેન્દ્રની સતામાં આવશે તો નરેન્દ્ર મોદીનું જીએસટી હટાવી નવું જીએસટી અમલમાં મુકાશે. માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશના ખેડુતોના દેણા માફ કરાશે.
અહીં ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ૧૭ લાખ ખેડુતો ઉપર ૮૫૦૦ કરોડનું દેણુ છે. રાજસ્થાનમાં ૨૮ લાખ ખેડુતો ઉપર ૫૦,૦૦૦ કરોડનું દેણુ છે. આવી રીતે ગુજરાતના ખેડુતો ઉપર અંદાજીત ૭૫,૦૦૦ કરોડનું દેણુ છે. દેશના તમામ રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કરોડો ખેડુતો ઉપરના દેણાના આંકડાનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી ત્યારે રાહુલ ગાંધીએ આપેલું વચન કઈ રીતે શકય થઈ શકે તે મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બેંકોના એનપીએ, જીએસટી, નોટબંધી અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોની અસરના કારણે કેન્દ્ર સરકાર ભીંસમાં મુકાઈ છે. અર્થતંત્રની હાલત બગડી છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ સતા ઉપર આવે અને દેણા માફીનું વચન પૂર્ણ કરે તો અર્થતંત્રની જે પરિસ્થિતિ સર્જાય તેની કલ્પના પણ થઈ શકે નહીં.
લોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષોની તોડજોડની મોસમ ખીલી
કોંગ્રેસ, બીએસપી, જેડીયુ, ટીડીપી, સીપીઆઈ અને ભાજપ સહિતના પક્ષો અનુકુળતા મુજબના ‘સમાધાન’ના મુડમાં
૨૦૧૯ લોકસભા ચુંટણી નજીક આવતાની સાથે જ રાજકીય તોડ-જોડની મોસમ ખીલી ઉઠી છે. તાજેતરમાં જ જેડીયુએ ભારતીય જનતા પક્ષ સાથે બિહારની બેઠકો મામલે ‘સમાધાન’ કર્યું છે. ઉતરપ્રદેશમાં બસપાના સુપ્રીમો પણ સન્માનજનક બેઠકોની માંગણી કરી ચુકયા છે.
કોંગ્રેસની આગેવાનીમાં મહાગઠબંધન રચાવવા જઈ રહ્યું છે જેમાં જે પક્ષ સૌથી વધુ બેઠકો મળશે તેના પ્રધાનમંત્રી રહેશે તેવા ખુલાસા પણ થઈ ચુકયા છે. કોંગ્રેસે તાજેતરમાં ટીડીપી અને સીપીઆઈ સાથે તેલંગણામાં ગઠબંધન કર્યું છે. ૩૫ વર્ષના ઈતિહાસમાં ટીડીપીએ પ્રથમ વખત કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે જે રાજકીય પરિસ્થિતિમાં કઈ રીતે બાર્ગેનીંગ થાય તે દર્શાવે છે.
મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનમાં ટુંક સમયમાં વિધાનસભા ચુંટણીઓ છે ત્યાં પણ વિજય મેળવવા માટે તમામ પક્ષો પોતાની રીતે તોડ-જોડનું રાજકારણ કરી રહ્યા છે. છેલ્લી ઘડી સુધી કોણ કોને સહકાર કે દગો આપશે તે હજુ પ્રકાશમાં આવતું નથી. અલબત છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાજકારણને વધુ ગંદુ કરે છે. તે વાત જગજાહેર છે.
કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ પાટનગર છાવણીમાં ફેરવાયું
ખેડુત જનઆક્રોશ રેલીથી સરકાર પર દબાણ લાવવા પ્રયાસ
ખેડુતોના પ્રશ્ન, મગફળી કૌભાંડ, ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે વિધાનસભા ગૃહમાં ઘેરવા માટે કોંગ્રસે રણનીતિ તૈયાર કરી છે જેના ભાગરૂપે આગામી વિધાનસભા સત્રમાં બે દિવસ કરતા વધુ સમય ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
પરંતુ સરકારે આ માંગ હજુ સ્વિકારી નથી. જયારે આજ સવારથી કોંગ્રેસે ગાંધીનગર સેકટર-૬ ખાતેના મેદાન સત્યાગ્રહ છાવણી ખાતે ખેડુત આક્રોશ સંમેલન શરૂ કર્યું છે. આ સંમેલન રેલી સ્વરૂપ ધારણ કરી વિધાનસભા ઘેરાવ કરવાની તૈયારીમાં છે. પોલીસે સ્થિતિ પારખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
રાજયનું પાટનગર છાવણીમાં ફેરવાઈ ચુકયું છે. વિધાનસભાના બે દિવસના ટુકા સત્રમાં સરકારને વિધાનસભાની બહાર અને અંદર તેમ બંને રીતે ઘેરવા માટે કોંગ્રેસે ખેડુત આક્રોશ સંમેલન તેમજ વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ ઘડી કાઢયો છે. ઉપરાંત ગુજરાત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તની નોટિસ પણ દાખલ કરી છે પરંતુ આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેવું માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર પ્રારંભ થઈ ચુકયું છે. અટલબિહારી વાજપાઈ સહિતના દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપીને કામ આટોપી લેવાશે અને આવતીકાલે મહત્વના પ્રશ્નો મુદે ચર્ચા થશે જોકે કોંગ્રેસ આ સત્ર બે દિવસથી વધારવામાં આવે તેવી માંગ કરી રહી છે. આ સત્ર ખુબ જ આક્રમક બને તેવી ધારણા છે. કોંગ્રેસ આ વખતે મગફળીકાંડને ચગાવશે તેમજ ખેડુતોના દેવા માફ કરવાનો અને મોંઘવારીનો મુદો લક્ષમાં રાખશે તેવું જણાઈ રહ્યું છે.
શેરબજાર સતત બીજા દિવસે રેડ ઝોનમાં
વૈશ્વીક પરીબળો અને સ્થાનિક કારણોસર શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સેન્સેકસમાં ૫૦૦થી વધુ પોઈન્ટનું ગાબડુ પડયા બાદ આજે ૫૦ પોઈન્ટનું ગાબડુ જોવા મળી રહ્યું છે. નિફટી પણ ૨૫ પોઈન્ટ માઈન્સ સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેકસ ૩૭,૬૫૦ની નજીક દેખાઈ રહ્યો છે. મીડ કેપ, સ્મોલ કેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. ફાર્મા મેટલ, એફએમસીજી, રીયલ્ટી, ઓઈલ એન્ડ ગેસમાં સારી ખરીદી આવી છે. ગઈકાલે બજાર ૩૮ હજારનો સપોર્ટ ગુમાવ્યા બાદ આજે પણ નીચુ જઈ રહ્યું છે.