તરણેતરનો મેળો ન જોયો, તો કશું ન જોયું

પહેલાનાં સમયમાં આજની જેમ મનોરંજનના સાધનો નહોતા ત્યારે મેળા-ઉત્સવોએ ભાવાત્મક અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને જાળવી રાખી હતી.મેળાઓ આપણી સંસ્કૃતિને સતત ધબકતી રાખે છે.

ભૌગોલિક રીતે સુકા અને નપાણીયા પંથક તરીકે જાણીતો બનેલ સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે.આ પ્રદેશમાં અનેક પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થાપત્યો આવેલા છે.તેમાંય તરણેતર એટલે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાનું ગામ.

તરણેતરના ઝાંપે બિરાજેલ ત્રિનેત્રેશ્વર મહાદેવની જગ્યામાં જગપ્રસિદ્ધ લોકમેળો દરવર્ષે ભાદરવા સુદ ચોથ,પાંચમ,અને છઠ દરમિયાન ભરાય છે.આ લોકમેળો ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતના સિમાડા ઓળંગીને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

tarnetar 3સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તરણેતર ના મેળામાં સાઉથ આફ્રિકાના લોકો આ મેળાની મજા લેવા પહોચ્યા હતા અને ઝાલાવાડની જનતા ને મહેમાન બનીને આવેલા ફોરેનારો સાથે સેલ્ફી ની મઝા માણી હતી.

તરણેતરનું આ મંદિર ૧૪મી સદીમાં બંધાયાનું પુરાતત્વવિદોનું માનવું છે.મંદિરની ત્રણેબાજુ બ્રહ્મકુંડ,વિષ્ણુકુંડ,અને શિવકુંડ આવેલા છે,જેમાં ઋષિ પંચમીના દિવસે ભાગીરથી ગંગાનું અવતરણ થતું હોવાનું મનાય છે.

બ્રિટીશકાળમાં તરણેતર થાન-લખતર સ્ટેટની હકુમતનું સ્થળ હતું.આ મંદિરનો જીર્ણોદ્ધાર ૧૯૦૨માં લખતરના રાજવી બાપુરાજશ્રી કરણસિંહજી બાપુએ કરાવ્યો હતો. આજેપણ મંદિરના ગર્ભગૃહમાં તેમની તસ્વીર જોવા મળે છે.તે સમયગાળામાં સ્ટેટ પરિવાર દ્વારા મેળાનું આયોજન કરાતું અને સ્ટેટ પરિવારની ધજા મંદિરના શિખર પર ચડવવામાં આવતી હતી.

બદલાતા સમય પ્રમાણે આજે આ ધજા સુરેન્દ્રનગરમાં રહેતા પ્રફુલભાઈ સોલંકીનો પરિવાર દ્વારા ૧૯૯૦ની સાલથી બાવન ગજની ધજા બનાવે છે,ચાલુ વર્ષે ૨૭મી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના થયા બાદ શિખર પર ચડાવવામાં આવશે.

ઢોલીના ઢોલના તાલે કરવામાં આવતા હુડા નૃત્યની પરંપરાએ મેળાની આગવી ઓળખ છે.દરવર્ષે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા બનાવાયેલ સ્ટેજ પર રાત્રે વિવિધ કલાકારો દ્વારા ભજન-કિર્તન અને ડાયરાના કાર્યક્રમો યોજાય છે.છેલ્લા કેટલાક વર્ષથી અહીં ગ્રામીણ રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

શણગારેલા બળદો,ગાડા,ઉંટ અને અશ્વો,પરંપરા અને લોકસંસ્કૃતિને ધબકતી રાખે છે. ‘ફજેત ફારકા’ તરીકે ઓળખાતા જાયન્ટ વ્હીલ્સ,જાદુના ખેલ,મોતના કુવાના દિલધડક દ્રશ્યો મેળાની રોનક વધારે છે.વિશ્વભરના સહેલાણીઓ આ મેળો માણવા આવી ચઢે છે અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવાયેલ  માટીકામ,મોતીકામ,વાંસકામ,ભરતકામની વસ્તુઓ ખરીદી પોતાના રાષ્ટ્રમાં યાદગીરી સ્વરૂપે લઇ જાય છે.તરણેતર જવા માટે નજીકનું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટ છે.સુરેન્દ્રનગરથી રોડમાર્ગે અંદાજીત ૭૦ કી.મી જેટલું અંતર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.