ચોરીના ઈરાદે મકાનમાં ઘુસેલા અજાણ્યા શખ્સો વૃદ્ધાને ઠેબા ચોકડી લઈ જઈ કરી હત્યા
જામનગરમાં કાલાવડ નાકા બહાર ઠેબા ચોકડી નજીક શ્યામ ગ્રીન ટાઉનશીપ વિસ્તારમાં આવેલા મકાનમાં ગઈ મોડીરાત્રીના લુંટારું ત્રાટકયો હતો પરંતુ હોલમાં સુતેલા મકાન માલિક વૃદ્ધા જાગી ગયા હતા. અવાજ થતા ઘરમાં જ હાજર રહેલો વૃદ્ધાનો પુત્ર બહાર આવતા આ શખ્સ છરી લઈને પાછળ દોડતા તેણે ભયના માર્યા રૂમમાં ઘુસી જઈ રૂમ અંદરથી લોક કરી દીધો હતો.
જયારે આ શખ્સે વૃદ્ધાને છરીની અણીએ ઘરથી બે કિ.મી દુર ઉઠાવી જઈ તેણીએ પહેરેલા સોનાના બુંટીયાની લુંટ ચલાવી તેણીનું ગળુ દબાવી હત્યા નિપજાવી હતી અને મૃતદેહને વાડી વિસ્તારમાં ફેંકી દીધો હતો. આ હત્યાની ઘટનાથી ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરાઈ છે.
જામનગરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની હકિકત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ઠેબા ચોકડી નજીક શ્યામ ગ્રીન ટાઉનશીપમાં વર્તમાનનગર-૧માં રહેતા લક્ષ્મીબેન કરમશીભાઈ તાલપરા નામના ૬૫ વર્ષના વૃદ્ધા અને તેમનો પુત્ર અરવિંદ ગઈકાલે મોડીરાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર સુતા હતા જે દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સ લુંટના ઈરાદે રસોડાની બારીમાં ગ્રીલ ન હોય તેના વાટે મકાનની અંદર પ્રવેશ્યો હતો.
આ વેળાએ હોલમાં સુતેલા વૃદ્ધ મહિલા લક્ષ્મીબેન જાગી જતા તસ્કરે છરી કાઢી તેણીને મારી નાખવાની ધમકી આપી હતી. જે દરમિયાન બાજુના રૂમમાં સુતેલો તેણીનો પુત્ર અરવિંદ સફાળા જાગીને દોડી આવ્યો હતો પરંતુ આ શખ્સ છરી લઈને પાછળ દોડતા જેથી ભયના માર્યા અરવિંદે રૂમમાં જઈ દરવાજે અંદરથી લોક કરી દીધો હતો.
દરમિયાન છરીની અણીએ લુંટારું શખ્સ લક્ષ્મીબેનને ઘરમાંથી બહાર બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો અને બે કિ.મી દુર સુધી લઈ જઈ વાડી વિસ્તારમાં તેમણે કાનમાં પહેરેલા સોનાના બુંટીયાની લુંટ ચલાવી તેમનું ગળુ દબાવી હત્યા નિપજાવી હતી. આ હત્યારાએ ઘરમાં પડેલા મોબાઈલની પણ લુંટ ચલાવી હતી.
દરમિયાન પુત્રઅરવિંદે બહાર આવી અને જોતા લુંટારુ શખ્સ અને માતા ઘરમાં હાજર મળ્યા ન હતા જેથી તુરંત જ પોલીસને જાણ કરી હતી. શોધખોળ દરમિયાન ઠેબા ચોકડી નજીક વાડી વિસ્તારમાંથી લક્ષ્મીબેનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
જેથી પોલીસે અજ્ઞાત લુંટારા સામે હત્યાનો ગુનો નોંધી ચોતરફ નાકાબંધી કરી આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે. મૃતક વૃદ્ધાના પુત્ર અરવિંદભાઈ કરમશીભાઈ તાલપરાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હત્યારાને પકડવા સીસીટીવી કેમેરા અને ફોરેન્સીક નિષ્ણાંત તેમજ ગુન્હાશોધક શ્વાનની મદદ લેવાઈ રહી છે. જામનગર પંથકમાં પખવાડીયામાં હત્યાની ચોથી ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે.