ધાર્મિક કાર્યો માટે જેલમાં શ્રીફળ પરથી પ્રતિબંધ હટાવવા હિન્દુ કેદીની અપીલ
જેલમાં છેલ્લા કેટલાક સમયથી શ્રીફળ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે અરજી કરી હતી કે જેલના હિન્દુ કેદીઓના ધર્મ, રિવાજ અને તહેવારોની ઉજવણી માટે જેલમાં શ્રીફળની મંજુરી આપવામાં આવે જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટે જેલ અધિકારીઓ ઉપર નિર્ણય છોડયો હતો.
હાઈકોર્ટે કહ્યું કે, ત્રણ અઠવાડીયાની અંદર જ જેલ નકકી કરે કે નારિયેળની મંજુરી અપાશે કે નહીં. ૨૦૦૮નાં સીરીયલ બ્લાસ્ટમાં સંડોવાયેલ આરોપીએ શ્રીફળની મદદથી જેલમાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદથી જેલમાં શ્રીફળ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જેલના કેદી ગૌતમ રામાનુજે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી કે ધાર્મિક કાર્યો માટે પણ જેલે સુખા નારિયેલ બંધ કર્યા છે. જેલના અધિકારીએ કહ્યું હતું કે, મુસ્લિમ કેદીએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ૨૧૩ ફુટ લાંબી સુરંગ બનાવી હતી માટે જેલ અધિકારીઓએ કડક વસ્તુ કેદીઓને આપવા પર પ્રતિબંધ મુકયો હતો.
જેલ કેન્ટીનના સપ્લાયર રામાનુજે જણાવ્યું હતું કે, જેલના ઘણા કેદીઓ સુકા નારિયેલની ખરીદી કરતા હતા. જયારે હાઈકોર્ટમાં જેલમાં શ્રીફળની મંજુરી માટેની અરજી કરવામાં આવી તો હાઈકોર્ટે જેલ અધિકારીઓ પર આ નિર્ણય છોડયો હતો માટે હવે ત્રણ અઠવાડિયાની અંદર જેલ અધિકારીઓ નકકી કરશે કે કેદીઓ માટે શ્રીફળની વ્યવસ્થા ફરીથી ચાલુ કરવામાં આવશે કે નહીં, જેલમાં રહેતા કેદીઓ પણ આખરે તો માણસ જ છે. હિન્દુ ધર્મ અને તહેવારોમાં શ્રીફળ ખુબ જ શુભ માનવામાં આવે છે માટે બની શકે કે જેલ ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી તહેવારો અને ભકિત સંબંધી કાર્યો માટે શ્રીફળની સુવિધા ઉપલબ્ધ કરાવે પણ તેની સામે એક પ્રશ્ન સુરક્ષાનો છે.
કારણકે આ પૂર્વ પણ કેટલાક કેદીઓએ જેલમાંથી નાસી છુટવા માટેના ચિત્ર-વિચિત્ર પૈતરા કર્યા છે અને આ વાતને લઈને જ સખ્ત, મજબુત વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય માટે હાઈકોર્ટે આ નિર્ણય જેલ ઉપર મુકતા હવે જેલ અધિકારીઓ આ મુદ્દે તમામ પાસાઓને ધ્યાનમાં લઈ ચર્ચા બાદ નિર્ણય જણાવશે.