ગાયોની દાણચોરી કરવાના હેતુથી તસ્કરોએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર ખોદેલી ૮૦ ફુટ લાંબી ટનલ મળી આવી
સીમા સુરક્ષા બળ (બીએસએફ) એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ગુપ્ત ટનલ શોધી કાઢી છે. બાંગ્લાદેશ સાથે સંકળાયેલ ૪૦૯૬ કીલોમીટર સરહદ પર શોધખોળ કરતાં પશ્ર્ચિમ બંગાળમાં બિહારના કિસનગંજ ગામે ચોપડા ફતેહપુર સીમા ચોકી પાસે બીએસએફના જવાનોએ ૮૦ ફુટ લાંબી આ ગુપ્ત ટનલ શોધી છે. બીએસએફનું માનવું છે કે આ ટનલનું નિર્માણ ગાયોની દાણચોરી કરવા માટે કરાયું હતું. ગાયોની તસ્કરી દ્વારા વ્યાપાર કરવા માટે ટનલ બનાવાઇ હતી.
બીએસએફ ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ દેવી શરણસિંહે કિશનગંજમાં બીએસએફના ક્ષેત્રીય મુખ્ાયલમાં કહ્યું કે, આ ૮૦ ફુટ લાંબી ટનલનું નિર્માણ ચાના બગીચાથી થઇને થયું હતું. જેથી કરીને તસ્કરો ગાયો સહીતના પશુઓની દાણચોરી લાંબા સમય સુધી કરી શકે અને ખાસ કરીને રાત્રીના સમયે દાણચોરી કરવામાં આવી હતી તેવી શકયતાઓ છે.
છેલ્લા ૨૦ વર્ષોના સમયગાળામાં બીએસએફ પાકિસ્તાન સાથેની સરહદ પર આ પ્રકારની અડધા ડઝન કરતાં વધુ ટનલ શોધી કાઢી છે. છેલ્લી ટનલ આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જમ્મુ-કાશ્મીરના સાંભા વિસ્તારમાં શોધી હતી. જે ૨૦ ફુટ લાંબી અને ૨.૫ ફુટ જમીનમાં ખોદેલી હતી. તાજેતરમાં જ માર્ચ માસમાં બીએસએફે બોર્ડરથી ૨૦૦ મીટર દુર મેઘાલયમાં ૨૦-૨૫ ફુટ ઊંડી ટનલ શોધી હતી. હાલ, બાંગ્લાદેશ બોર્ડર પર ૮૦ ફુટ લાંબી ટનલ મળતા બીએસએફ જવાનો વધુ સતર્ક બન્યા છે. અને ભારતમાંથી બાંગ્લાદેશમાં ગાયોની દાણચોરી કરતા તસ્કરો માટે વધુ તકલીફ ઊભી કરી છે. બાંગ્લાદેશની બોર્ડર પર મળેલી આ પ્રકારની ટનલ બીજી છે આ અગાઉ પણ એક ટનલ મળી આવી હતી.ૃ