રૂપીયાની તંદુરસ્તી જાળવવા કેન્દ્ર સરકારના ધીમા પણ મક્કમ પગલા
ડોલરના મુકાબલે રૂપીયો ૧.૧ ટકાના સુધારા સાથે મજબૂત થયો
પેટ્રોલ-ડિઝલના ભાવ સાથે મોંઘવારી વધી હોવાની કાગરોળ મચી જવા પામી છે. ત્યારે ફૂગાવાને નાથવા સરકાર પણ હરકતમાં આવી ચૂકી છે. ડોલર સામે રૂપીયો ગગડી રહ્યો હોવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બાદ રૂપીયોએ પણ એકાએક હરણફાળ ભરી છે અને ૧.૧ ટકાના ઉછાળા સાથે ૧૮ મહિનાની ત્તેજી પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી ડોલર સામે ૭૨.૯૧ સુધી નબળો રહ્યાં બાદ રૂપીયો હવે ૭૧.૯૨ના બેંચમાર્ક સુધી પહોંચી ગયો છે.
છેલ્લા થોડા સમયથી ડોલર સામે રૂપીયાની નાદૂરસ્તી મામલે ચિંતા વ્યકત કરવામાં આવી રહી હતી. રૂપીયો સતત પડી રહ્યો હોવાની ઘટના અંગે નિષ્ણાંતોએ ચેતવણી પણ આપી હતી. ત્યારે રૂપીયાએ પણ હવે હનુમાન કુદકો માર્યો છે. કરન્સી બજારની સીધી અસર ફૂગાવા પર જોવા મળી છે. પરિણામે સરકારે પણ ફૂગાવો નાથવાના પ્રયાસ રૂપે રૂપિયાને સપાટો લેવલે લાવવાના પ્રયત્નો કર્યા હતા. કરન્સી બજારમાં બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવમાં ઉંધા મથાળેથી ચડતી નરમાઈ અત્યાર સુધી હતી.
ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક વિકાસ વેગવાન રહેશે તે પ્રકારની ધરપત આપી હતી. કરન્ટ એકાઉન્ટ ડિફીસીટ (સીએડી) અને ક્રુડ ઓઈલના ભાવમાં વધારાથી ગભરાવવાની જરૂર ન હોવાનું પણ સરકાર તાજેતરમાં કહી ચૂકી છે. જેનો મતલબ એ થયો હતો કે, સરકાર ટૂંક સમયમાં કરન્સી અને ઈંધણને લોકો માટે અનુકુળ બનાવવાના પ્રયાસો કરશે. આ પ્રયાસનો પ્રથમ ફાયદો ગઈકાલે જ જોવા મળ્યો છે. રૂપિયાએ ૧૮ મહિનાની સરખામણીએ સૌથી ઉંચી છલાંગ લગાવી છે.
સરકાર ફૂગાવો નાથવા માટે ધીમા પણ મકકમ ડગલે આગળ વધી રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને કાબુમાં રાખવા સરકારે પ્રયત્નો કર્યા છે. સરકાર પર દબાણ લાવવા વિરોધ પક્ષોએ પણ ભારત બંધ એલાન સહિતના પ્રયાસો કર્યા છે.
જો કે, આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવના કારણે સ્થાનિક કક્ષાએ ઈંધણના ભાવમાં સતત વધારો જોવાઈ રહ્યો હોવાનો બચાવ કેન્દ્ર સરકાર કરી રહી છે. બીજી તરફ સરકાર પેટ્રોલ-ડિઝલ પરનો વેરો ઘટાડી લોકોને ભાવમાં રાહત આપે તેવી દલીલો પણ થઈ રહી છે. રાજસ્થાન સરકારે વેરો ઘટાડવાનો નિર્ણય લઈ લોકોને આંશિક રાહત આપી છે. આવી જ રીતે અન્ય રાજય સરકારો પણ ભાવમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે.
જો કે, કેન્દ્ર સરકારે ફુગાવાના ડામવા તબકકાવાર પગલા લીધા છે જેના મીઠા ફળ લાંબાગાળે ચાંખવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હાલ તો પ્રારંભીક તબકકે પિયાની તંદુરસ્તી જાળવવી સરકારનો મુખ્ય લક્ષ્ય દેખાઈ રહ્યું છે.