જામનગરના વિનાયક પાર્ક વિસ્તારમાંથી મોડીરાત્રે લૂંટના ઈરાદે ચાર શખ્સો અને કાયદાથી સંઘર્ષિત કિશોરની ટોળકી હથિયારોથી સજ્જ થઈ તાકમાં બેઠી હતી ત્યારે જ ત્રાટકેલા પોલીસ કાફલાએ આ શખ્સોને પકડી લઈ રોકડ, મોબાઈલ, વાહન મળી રૃા.૮૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જ બાર ગુન્હાઓની કબૂલાત આપી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્કમાં પાણીના ટાંકાથી મધુરમ્ સોસાયટી તરફ જવાના રોડ પર ગઈરાત્રે સિટી-બી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન હે.કો. ફીરોઝ દલ, હરૃભા જાડેજા, કિશોર પરમાર તથા જશપાલસિંહ જેઠવાને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો તે વિસ્તારમાં ધોકા, સળિયા, ડીસમીસ, છરી તથા તલવાર જેવા હથિયાર ધારણ કરી કોઈ ગુન્હો આચરવાની ફિરાકમાં છે.

ઉપરોકત બાતમીથી પીઆઈ પાંડરને વાકેફ કરવામાં આવ્યા પછી પીએસઆઈ વાય.એ. દરવાડિયા, પીએસઆઈ વી.એસ. લાંબા તથા સ્ટાફ સાથે પોલીસ કાફલો તે વિસ્તારમાં પહોંચી ગયો હતો. અંદાજે ચારેક વાગ્યે પોલીસે તે સ્થળે શંકાસ્પદ હિલચાલ કરતા ચાર શખ્સો અને તેની સાથે રહેલા કાયદાથી સંઘર્ષિત એક કિશોરને ઘેરી લઈ તેઓની તલાશી લેતા ત્રણ મોટરસાયકલ, ચાર મોબાઈલ, રૃા.૪૧ હજાર રોકડા અને હથિયારો મળી આવતા તમામને સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા.

ત્યાર પછી રાંદલનગરમાં રહેતા શિવા નવરંગભાઈ કપટા, ટીબી હોસ્પિટલ પાછળ રહેતા હાર્દિક દિલીપભાઈ ત્રિવેદી, રામેશ્વરનગરના ગાયત્રીનગરમાં રહેતા વિક્કી સંજયભાઈ બરછા, માતૃઆશિષ સોસાયટીમાં રહેતા કાયદાથી સંઘર્ષિત કિશોર અને નંદન પાર્કના છેવાડે જલારામનગર પાસે રહેતા અશોકસિંહ શિવુભા જાડેજા નામના આ પાંચેય શખ્સોની પૂછપરછ શરૃ કરાતા તેઓએ પોપટ બની જઈ પોલીસ સમક્ષ જુદા જુદા બાર ગુન્હા આચર્યાની કબૂલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.