દલિત સમાજ દ્વારા પડધરી પોલીસને રજુઆત: કાર્યવાહી કરવાની માંગ
પડધરી તાલુકાના તરઘડી ગામે દારૂનું દુષણ બેફામ વઘ્યું છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. આ દારૂ પીને દારૂડીયાઓ આતંક મચાવે છે ત્યારે સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેથી આ મામલે તાકીદે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે દલિત સમાજે પડધરી પોલીસને રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવાયું હતું કે, તરઘડીમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણનો ધંધો બેફામ ચાલે છે અને મોટા જથ્થામાં દારૂ બહારથી મંગાવી ગામમાંથી વેચાણ કરવામાં આવે છે. જેથી રહેવાસીઓ નાના બાળકોથી માંડી મોટા માણસોને પોતાના જાહેર જીવનમાં અડચણો ઉભી થાય છે. બાળકો ઉપર દારૂની ખરાબ અસર થાય છે. લતાની સ્ત્રીઓને બાળકોને સાંજના સમય બાદ ઘરની બહાર નિકળવુ મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત તો દારૂના ધંધાર્થીઓ બિભિત્સ શબ્દોમાં ગાળો બોલે છે અને બેફામ રીતે વાહનો લઈને નિકળે છે જેથી લતાવાસીઓને માનસિક અને શારીરિક ત્રાસ થતો હોય તો રજુઆત ઉપરથી કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ છે.