જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો
જ૫, તપ, અને આરાધના સાથે એકબીજાને ક્ષમા યાચના પાઠવશે જૈનો
સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પર્યુષણ પર્વના અંતિમ દિને સવંત્સરીની ઉજવણીનું જૈન ધર્મ સ્થાપકોમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે જપ, તપ, આરાધના સાથે જૈનો એકબીજાને ક્ષમા યાચના પાઠવી રહ્યા છે.
પર્વાધિરાજ પર્યુષણનું આજે સમાપન થનાર છે. ત્યારે ભકિતભાવ સાથે આજે સવંત્સરી મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રભરના જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણનાં આયોજનો કરવામાં આવ્યા છે. આજે સવંત્સરી નીમીતે ઠેર ઠેર મિચ્છામી દુકડમના નાદ સાંભળવા મળી રહ્યા છે. જૈનો ક્ષમાનું આદાન પ્રદાન કરી હળવા ફુલ બની રહ્યા છે.
અતિક્રમણ ઘણા કર્યા આજે પ્રતિક્રમણ કરો: પૂ. ધીરજમુનિ મ.સા.
સંવત્સર એટલે વર્ષ વર્ષમાં એક જ વાર આવતો હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે.
જૈન તિથિ પંચાગના અભાવે ઘણીવાર મૂર્તિપૂજક સમાજ અને સ્થાજનકવાસી સમાજની સંવત્સરી એક દિવસ આગળ પાછળ આવતી હોય છે. આ વર્ષે એક જ દિવસે સંવત્સરી ઉજવાશે તેમ પૂ. ધિરજમુનિ મ.સા.એ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ કહ્યું કે, જીવનમાં ૪ પ્રકારના મિત્રો હોય છે. થાલી મિત્ર, તાલી મિત્ર, પ્યાલી મિત્ર અને કલ્યાણ મિત્ર જયાં સુધી બીજાને જમાડતાં રહો અને તે ખુશ રહે તે થાલી મિત્ર, જયાં સુધી બીજાના ખિસ્સા ભરતા રહો ત્યારે તાલી પાડતા રહે તે તાલી મિત્ર, જયાં સુધી બીજાના ખિસ્સા ભરતા રહે ત્યારે તાલી પાડતા રહે તે તાલી મિત્ર જે વ્યસની બનાવી દે તે પ્યાલી મિત્ર પરંતુ એક એવો કલ્યાણમિત્ર રાખો કે તમારી ભૂલ થાય ત્યારે તમને કહી શકે. પાછા વાળી શકે તે જ સાચો મિત્ર કહેવાય છે.
આજના દિવસે હજારો જૈન સાધુ-સાઘ્વીજીઓ ચૌવિહાર ઉપવાસ (નિર્જલા) કરશે.
દરેક સાધુ-સાઘ્વીજી કેશલુંથન કરેલા જોવા મળશે હજારો ઉપાસકો નાના-મોટા વ્રત સ્વીકારીને વ્રતધારી બનશે. ક્રોધ અને અભિમાનથી કે આવેશમાં કોઇપણ વ્યકિતની સાથે ચાહે તે માતા-પિતા હોય કે પત્ની-પુત્ર કે નોકર-ચાકર જોડે વેરવિરોધ અને કલેશ કંકાસ થઇ ગયો હોય તો સાચા અંત: કરણથી નમ્ર ભાવે ક્ષમા માગવાની છે.
કદાચ એવું બને કે ભૂલ સામેવાળાની હોય અને તમે મોટા હોય પણ ક્ષમા માંગનાર આરાધક બને છે. અપરાધીના અપરાધને ભૂલીને પ્રેમ અને મૈત્રીનો હાથ લંબાવવાનો છે.
સંવત્સરી પ્રતિક્રમણ કરતાં ૮૪ લાખ જીવાયોનિના જીવો સાથે ક્ષમાયાચના કરવાની છે. અતિક્રમણ ઘણાં કર્યા હવે આજે પ્રતિક્રમણ કરવું જરુરી છે.
આમ તો, બોલવામાં મુશ્કેલી પડે તેવા ત્રણ શબ્દ છે ‘મારી ભૂલ થઇ !’ જેને આટલું બોલતા આવડી જાય તેને જીવનમાં કોઇ તકલીફ પડવાની નથી.
સજા માણસના શરીરને સ્પર્શે છે. ક્ષમા માણસના હ્રદયને સ્પર્શે છે. ક્ષમા રાખો, ક્ષમા માંગો, ક્ષમા આપો, વેરમાં વિનાશ પ્રેમમાં વિકાસ છે. વેરમાં વાંધો છે. પ્રેમમાં સાંધો છે બાકી તો ઘણાં ઘરમાં પોપટને બોલતા શીખવાડાય છે. અને પેરેન્ટસને મૂંગા રહેવાનું કહેવાય છે! આ પણ આશ્ચર્ય જ છે તે !
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું જૈન-જૈનેતરોન ‘મિચ્છામી દુકકડમ’
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરીક ભાઇ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’પાઠવ્યા છે.
વિજયભાઇ રૂપાણીએ પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉ૫કાર સ્મરણ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે ક્ષમા, કણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિઘ્ધાંતોને આત્મસાત કરના પર્યુષણ પર્વ, સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે.મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુકકડમ પણ પાઠવ્યા છે.