સુરતથી ગઈકાલે જ ૨૦૦ કિલો ગાંજો આવ્યો: સગીર વયના બાળક ગાંજાની પડીકી તૈયાર કરતો’તો: ગાંજો, બોલેરો, હોન્ડા સિટી કાર, એક્ટિવા અને પિસ્તોલ કબજે
શહેરના સંવેદનશીલ જંગલેશ્વર વિસ્તારમાંથી ચાર દિવસ પહેલા રૂ.૮૨ લાખના ચરસ સાથે પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા બાદ ગત રાત્રે ૩૫૭ કિલો ગાંજા સાથે મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. રાજકોટમાંથી ઝડપાયેલ ગાંજાના જથ્થાની ડીલીવરી સુરતથી થયાની અને ચારેય શખ્સો પાસેથી પિસ્તોલ મળી આવ્યાનું બહાર આવ્યું છે.
જંગલેશ્વર ગાંધીચોકમાં રહેતી નામચીન મદીના ઉર્ફે સાવરણી ઓસમાણ જુણેજા નામની મહિલાએ ગાજાનો મોટો જથ્થો મંગાવ્યાની બાતમીના આધારે એસઓજી અને ભક્તિનગર પોલીસે ગત મોડી રાત્રે સંયુક્ત દરોડો પાડયો છે. પોલીસે ૩૫૭ કિલો ગાંજો, બોલેરો, હોન્ડા સિટી કાર, એક્ટિવા અને પિસ્તોલ કબજે કરી ચાર શખ્સોની નાર્કોટીકસના ગુનામાં ધરપકડ કરી છે.
જંગલેશ્વરમાં તાજેતરમાં જ સવા કિલો ગાંજા સાથે ઝડપાયેલી અમીનાની પુત્રી મદીનાએ ગાંજાનો જથ્થો મંગાવ્યાની બાતમીના આધારે પોલીસે ફકીરનો વેશ ધારણ કરી ગાંજો ખરીદવા ગ્રાહકના સ્વાંગમાં દરોડો પાડયો હતો. પોલીસે ૧૦ કિલોના ૨૦ પાર્સલ એટલે કે ૨૦૦ કિલો ગાંજો તેમજ અગાઉ મંગાવેલ ૧૭૦ કિલો ગાંજો મળી કુલ ૩૭૦ કિલો ગાંજો મળી આવતા મદીના ઓસમાણ જુણેજાના પતિ, ઓસમાણ જુણેજા, તેની પુત્રી અને એક સગીર બાળકને ઝડપી લીધા છે. બાળક પાસે પ્લાસ્ટીકની કોથળીમાં ગાંજાનો પેકિંગ કરાવવામાં આવી રહ્યું હતું. મદીના અને તેના પતિ ઓસમાણની પુછપરછ દરમિયાન ૨૦૦ કિલો ગાંજો ગઈકાલે સુરતથી આવ્યો હોવાની કબુલાત આપી હતી.
પોલીસ મદીના પાસેથી ૩૫૭ કિલો ગાંજો, બોલેરો, હોન્ડા સિટી કાર, એક્ટિવા અને પિસ્તોલ કબજે કરી કેટલા સમયથી ગાંજાનું વેંચાણ કરે છે તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે, કયાં કયાં વેંચાણ કર્યું અને ગાંજાનો જથ્થો કયાંથી મંગાવવામાં આવે છે તે અંગેની વિગતો મેળવવા પુછપરછ હાથ ધરી છે. જંગલેશ્ર્વરમાં ચરસ બાદ ગાંજાનો મોટો જથ્થો એસઓજી પીઆઈ એસ.એમ.ગડ્ડુ અને પીએસઆઈ એચ.એમ.રાણા સહિતનાએ ઝડપી લીધો છે.