આજે પાળીયાદનાં મહંત નિર્મળાબા દ્વારા ધ્વજારોહણ: પ્રવાસન મંત્રીએ ગૌ પૂજપન કર્યું
કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે.આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, કલેકટર કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, પ્રાંત અધિકારીશ્રી વી.કે. પટેલ, સહિત અન્ય મહાનુભાવોએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન – અર્ચન કર્યું હતું. મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ દિપ પ્રાગટય કરી તરણેતર લોકમેળાને ખુલ્લો મુકયો હતો.તરણેતર લોકમેળાને ખુલ્લો મુકયા બાદ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાને મોટી સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો મળેલ છે. ભારતની સંસ્કૃતિ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે. જે પ્રાચીનકાળથી મેળાઓ સાથે જોડીને જળવાઇ રહી છે. આ મેળામાં યોવન, રંગ, મસ્તી, લોકગીત, લોકનૃત્ય, લોકસંસ્કૃતિ માણવાનો અવસર મળે છે.
મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રદર્શિત ગુજરાતના વિકાસને ઉજાગર કરતા પ્રદર્શન તેમજ આરોગ્ય અને પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શનને રીબન કાપી ખૂલ્લા મૂકયા હતા તરણેતરના આ લોકમેળામાં મંત્રીશ્રીએ મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસનું ઉદ્દઘાટન કરી ગ્રામિણ ઓલમ્પિક્સનું પણ ઉદ્દઘાટન કરેલ હતું. મંત્રીશ્રીએ ગ્રામીણ ઓલમ્પિકસમાં ૧૦૦ મીટર દોડની રમતને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે ૧૫૦૦ મીટર તથા ૮૦૦ મીટર દોડમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાને આવેલ ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતાં.આજના કેવડા ત્રીજના શુભ દિને ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પુજારીશ્રી છગનગીરી બાપુએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને શાલ ઓઢાડી સત્કાર્યા હતા તેમજ પ્રકાશગીરી બાપુએ પુજા- અર્ચન વિધિ કરાવી હતી.આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના કમિશ્નરશ્રી સતિષભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે. પરમાર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, મામલતદારશ્રી, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, વિજયભાઇ ભગત, પ્રતાપભાઇ ખાચર, સરપંચશ્રી વનિતાબેન વજાભાઇ ખમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.