માત્ર બે દિવસના ચોમાસુ સત્રમાં સ્વર્ગસ્થ નેતાઓને શ્રધ્ધાંજલી આપી અને સરકાર પોતાનું કામ પાર પાડી પૂર્ણ કરશે, લોકોના પ્રશ્ર્નો માટે સમય બચશે નહીં: ધાનાણીનો આક્ષેપ
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તા.૧૮ અને ૧૯ના રોજ થઈ રહ્યું છે. મોટાભાગે ચોમાસુ સત્ર બે દિવસનું જ હોય છે. ત્યારે આ વખતે વિધાનસભામાં ખેતી વિષયક પ્રશ્ર્નોની લંબાણપૂર્વક ચર્ચા માટે ચોમાસુ સત્ર લંબાવવાની માંગ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કરી છે.
આ મામલે પરેશ ધાનાણીએ કહ્યું છે કે, ખેડૂતો અને અન્ય સમાજના પ્રશ્ર્નોની ચર્ચા માટે મેં વિધાનસભાનું ખાસ સત્ર શરૂ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. અલબત ભાજપ સરકારે માત્ર બે દિવસનું ચોમાસુ સત્ર બોલાવ્યું છે. આ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સ્વર્ગસ્થ નેતાઓને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવશે અને બીજા દિવસે સરકાર માત્ર પોતાનું કામ કરશે. લોકોના પ્રશ્ર્નો બાબતે સમય બચશે નહીં. માટે લોકોના પ્રશ્ર્નોની ઉંડી ચર્ચા કરવા ચોમાસુ સત્ર લંબાવવાની માંગ કરાઈ છે.
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાજય સરકાર બીન લોક તાંત્રીક પ્રક્રિયાથી સામાજીક અશાંતિ ફેલાવી રહી હોવાનો આરોપ તેમણે મુકયો છે. હાર્દિક પટેલના ૧૮ દિવસના ઉપવાસ છતાં રાજય સરકાર તેની સાથે વાત કરવા પણ તૈયાર ન હોવાની સ્થિતિ અસંવેદનશીલ હોવાનો તેમણે કર્યો છે. ચોમાસુ સત્રમાં વિવિધ સમાજના શિક્ષણ, રોજગારી તેમજ કાયદો-વ્યવસ્થાની ચર્ચા કરવાની ઈચ્છા હોવાનું ધાનાણીનું કહેવું છે.