વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ રૂબરૂ ઢોર ડબ્બાની મુલાકાત લેતા ભાંડો ફુટયો
શહેરના ભાવનગર રોડ પર આવેલા કોર્પોરેશનના ઢોર ડબ્બામાં મસમોટુ ઘાસચારા કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યો છે. ઢોર ડબ્બામાં ઘાસની આવક-જાવકનું રજીસ્ટર પણ મેઈનટેન કરવામાં આવતું નથી અને અધુરી નોંધ કરવામાં આવે છે.
તેઓએ ઉમેર્યું હતું કે, આજે સવારે તેઓએ ભાવનગર રોડ પર આવેલા ઢોર ડબ્બામાં ઓચિંતી મુલાકાત લીધી હતી. ઢોર ડબ્બા ખાતે જે ઘાસ આવે છે તેમાં ધુળ ચોટેલી નજરે પડી હતી. શેરડીના સાંઢા કરતા પણ મોટા-મોટા ઝાડના રાડા નજરે પડયા હતા.
આ જુવારના રાડાની લંબાઈ ૪ ફુટથી લઈ ૧૦ ફુટ સુધીની હતી. વેટરનરી ઓફિસર ડો.જાકાસણીયાએ કબુલ્યું હતું કે, ૮ થી ૯ ફુટ ઉંચાઈના જુવારના રાડા ઢોર ખાઈ શકતા નથી અને આ જુવારનું ખડ ખુબ જ કડવું હોય છે. દરરોજ ઘાસમાં કપાત કરી રજીસ્ટરમાં લખવામાં આવતું હોય છે.
તેવું વેટરનરી ઓફિસરે જણાવ્યું હતું પરંતુ છેલ્લા પાંચ મહિનામાં માત્ર એક જ દિવસ ગત ૭મી સપ્ટેમ્બરે ઘાસમાં ૧૦૦ કિલો કપાત કરવામાં આવ્યું હતું. બાકીના પાંચ મહિનાના ઘાસના પુરેપુરા રૂપિયા ચુકવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પરથી સાબિત થાય છે કે ઢોર ડબ્બે મસમોટુ ઘાસચારા કૌભાંડ ચાલી રહ્યું છે.
તેઓએ ઉમર્યું હતું કે, જો પશુને મકાઈ આપવામાં આવે તો તે આખેઆખી ખાઈ જાય છે પરંતુ જુવારના રાડા પશુઓ ખાતા નથી અને તે પડયા રહે છે. અંતે તેને કચરામાં નાખી દેવા પડે છે છતાં પુરો હિસાબ વસુલવામાં આવે છે. ઢોરને સુકુ અને લીલુ બંને ઘાસ આપવામાં આવે છે પરંતુ સુકા ઘાસનું તણખુ પણ ઢોર ડબ્બે દેખાયું ન હતું.
ગૌશાળાઓ સાથે સેટીંગ કરી સારી ગાયો વેચી દેવામાં આવતો હોવાનો આક્ષેપ પણ વિરોધ પક્ષના નેતાએ કર્યો છે. મોટા ઢોર દૈનિક ૨૦ કિલો અને નાના ઢોરને દૈનિક ૧૦ કિલો ઘાસ આપવામાં આવે છે પરંતુ ૧૦-૧૦ ફુટના ઝાડના રાડા પશુઓ ખાઈ શકતા નથી અને ભુખ્યા રહે છે. છેલ્લા બે દિવસથી ઢોર ડબ્બે કેટલું ઘાસ આવ્યું તેનું રજીસ્ટર ચેક કરતા રજીસ્ટર કોરુ હતું જે સાબિત કરે છે કે ઢોર ડબ્બામાં મસમોટુ ઘાસચારા કૌભાંડ ચાલી રહ્યું છે.