૩ લાખ સૈનિકો, ૩૬૦૦૦ લડાકુ વાહનો અને ૧૦૦૦ એરક્રાફટે મહાયુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો
નાટોએ રશિયાના પગલા સામે ચિંતા વ્યકત કરી
રશિયાએ વિશ્વનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કરતા જ સમગ્ર વિશ્વની આંખો પહોળી થઈ ગઈ છે. રશિયાના આ ઐતિહાસિક યુદ્ધ અભ્યાસમાં ત્રણ લાખ સૈનિકોએ ભાગ લીધો છે. આ ઉપરાંત ૩૬૦૦૦ વાહનો અને ૧૦૦૦ લડાકુ વિમાનો પણ યુદ્ધ અભ્યાસમાં જોડાયા છે. રશિયાના આ પગલા મામલે નાટોએ ચિંતા વ્યકત કરી છે.
રશિયાએ આ વોર ગેમને ‘વોસતોક ૨૦૧૮’ નામ આપ્યું છે. રશિયાને પોતાના ખાસ મીત્ર ચીનનો સહકાર યુદ્ધ અભ્યાસમાં મળ્યો છે. આંકડાનુસાર ૩૫૦૦ ચીન સૈનિકો પણ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં જ રશિયાના સંરક્ષણ મંત્રાલયે સૈન્યના વાહનો, લડાકુ વિમાન, હેલીકોપ્ટર અને જહાજના વિડીયો પ્રસારીત કર્યા હતા.
રશિયાના વ્લાડીવોસ્ટોક શહેર ખાતે ઈકોનોમીક ફોરમ હેઠળ ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વની બેઠક છે. આ યુદ્ધાઅભ્યાસ રશિયા અને ચીનને આર્થિક તેમજ સંરક્ષણ મામલે વધુ નજીક લાવશે તેવો દાવો પુતીને કર્યો છે.
એક સાથે ૩૬૦૦૦ મીલીટરી વાહનો દોડતા હોય જેમાં લાખો સૈનિકો પણ જોડાયા હોય ત્યારે યુદ્ધની સાચી પરિસ્થિતિ જેવો ચિતાર થાય છે. કુલ ૯ ક્ષેત્રોમાં આ મહાકાય અભ્યાસ ચાલી રહ્યો છે. ઉપરાંત જાપાન નજીકના દરિયા સહિત ત્રણ દરિયાઈ પટ્ટીમાં પણ રશિયા અને ચીને યુદ્ધનો અભ્યાસ શરૂ કર્યો છે.
સોવીયેત સમયના શીતયુદ્ધના એંધાણ
૧૯૮૧માં પણ થયો હતો મેગા યુધ્ધાભ્યાસ
સોવીયેતકાળમાં પણ હાલના રશિયાએ કરેલા યુદ્ધાભ્યાસ જેવી મેગા મીલીટરી એકસાઈઝ થઈ હતી. ૧૯૮૧માં એકથી દોઢ લાખ રશિયન સૈનિકો ‘ઝપાડ-૮૧’ મેગા મીલીટર એકસાઈઝમાં જોડાયા હતા. જે તે સમયે સોવીયેત સંઘ (યુએસએસઆર)નું પ્રભુત્વ વિશ્વ પર હતું.
પોતાની સૈન્ય તાકાત દેખાડવા સોવીયત સંઘે આ અભ્યાસ કર્યો હતો. આજે યુક્રેન અને સીરીયાને રશિયા પોતાની સંરક્ષણ તાકાત દેખાડવા માંગે છે ત્યારે ૧૯૮૧ કરતા બે ગણો મોટો હાલનો યુદ્ધાભ્યાસ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આ અભ્યાસમાં રશિયાની ન્યુકલીયર મિસાઈલ ઈસ્કાન્ડરને પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત ટી-૮૦ અને ટી-૯ જેવા લડાકુ ટેન્ક અને એસયુ-૩૪ અને એસયુ-૩૫ જેવા ફાઈટર વિમાનો પણ રશિયાએ તૈનાત કર્યા છે. રશિયાના આ પગલાની ગંભીર નોંધ નાટોએ લીધી છે.