મસમોટી લોનના બોજ હેઠળ દબાયેલા કેટલાક ડિફોલ્ટર્સ હવે પ્રોકસી બીડરના માધ્યમથી પાછલા રસ્તે પોતાની સંપત્તિ સસ્તી કિંમતે હાંસલ કરવાની વેંતરણમાં હોવાની પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ચેતવણી
બેંકરપ્સી કોડમાં રહેલા છીંડાનો ફાયદો ઉઠાવવાની પેરવી ડિફોલ્ટ થયેલી કંપનીઓના પ્રમોટર્સ કરી રહ્યાં હોવાનો ધડાકો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કર્યો છે. તેમણે ડિફોલ્ટરો દ્વારા થતી નકામી દલીલો અંગે પણ જયુડીશરીને ચેતવી છે.
રઘુરામ રાજને સંસદીય સમીતીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, મોટી કોર્પોરેટ કંપનીઓ વિવાદાસ્પદ અને બોગસ અપીલના માધ્યમથી બેંકરપ્સી કોડ સાથે રમત રમી રહી છે. અદાલતોએ આવા મામલામાં નિયમીત દખલ દેવાથી બચવું જોઈએ. આવા કેસમાં કેટલાક પોઈન્ટને વ્યાખ્યાયીત કર્યા બાદ તેમાં થતી અપીલો ઉપર અંકુશ લગાવવો જોઈએ.
તા.૧૨ ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પારીત થયેલા સર્કયુલર પર પ્રતિબંધ મુકવા કેટલાક પાવર પ્રોડયુશર પ્રયત્નો કરી રહ્યાં છે. વડી અદાલતે મંગળવારે આ સર્કયુલર પર સ્ટે લગાવ્યો હતો. મસમોટી લોન હેઠળ દબાયેલા કેટલાક ડિફોલ્ટર્સ પોતાની સંપતિ પાછલા દરવાજે ખરીદવાના રસ્તા તપાસી રહ્યાં હોવાનું પણ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, બેંકરપ્સી કોડ જયાં સુધી અમલમાં નહોતો મુકાયો ત્યાં સુધી પ્રમોટર્સને એવું નહોતુ લાગતુ કે કંપનીની માલીકી પણ હાથમાંથી જઈ શકે છે. હવે કોડ અમલમાં મુકાયા બાદ કેટલાક પ્રમોટર્સ પોતાના જ મળતીયા દ્વારા પોતાની સંપતિ સસ્તી કિંમતે ખરીદી કંપનીનો કંટ્રોલ ફરીથી પોતાના હાથમાં લેવા માંગે છે. આવી પેરવીના કારણે જ કેટલાક પ્રમોટર્સ બેંકોને ગંભીરતાથી લેતા નથી.
બેંકોની નાદુરસ્તી માટે યુપીએ સરકાર જવાબદાર હોવાનો રાજનનો ધડાકો
એનપીએના કારણે બેંકોની તબીયત બગડી છે જેના પાછળ યુપીએ સરકાર જવાબદાર હોવાનો ધડાકો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદની એક સમીતીને મોકલેલા રિપોર્ટમાં કર્યો છે. ૨૦૦૬ થી ૨૦૦૮ દરમિયાન અપાયેલી લોન પૈકીની મોટાભાગની લોન બેડ લોન થઈ હોવાનું તેમણે કહ્યું છે.
જો કે રાજને પોતાના આક્ષેપમાં યુપીએ કે એનડીએનું નામ લીધુ નથી. તેમણે કહ્યું છે કે, મેં હાઈપ્રોફાઈલ કેસ વડાપ્રધાન કાર્યાલયને મોકલ્યા હતા. જો કે, ત્યારબાદ શું થયું તેની મને કોઈ ખબર નથી. તે સમયે આ મામલે ઝડપથી પગલા લેવાની જરૂર હતી. કોલસાની ખાણમાં કૌભાંડના આક્ષેપો સહિતના ગુંચળામાં યુપીએ સરકાર ફસાઈ હોય તે સમયે આ વાત પર ધ્યાન ન અપાયું હોવાનો દાવો પણ થયો છે.