સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના સહયોગથી જૈનમ ગ્રુપનું આયોજન: ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટમાં થશે અભૂતપૂર્વ આરાધના
સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સમૂહ આરાધના સાથે ઐકયતાનો નવતર પ્રયાસ ગુરુવારે કરવામાં આવશે. ૧૧ હજાર ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચીત કરશે. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં આવી અભૂતપૂર્વ આરાધના થશે.
રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મ.સા.આદિ ૭૫ સંત-સતીજીઓના સાંનિધ્યે પર્યુષણ મહાપર્વ ત્યાગ અને જ્ઞાનમય ઉજવાઈ રહ્યાં છે. ત્યારે પર્યુષણ મહાપર્વની ચરણસીમાપ રાજકોટના સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘોના સહયોગે જૈનમ ગ્રુપ આયોજિત ૧૧,૦૦૦ સામૂહિક પ્રતિક્રમણની આરાધનામાં રાજકોટ મહિલા મંડળ, યુવા મંડળ, સમસ્ત જૈન ગ્રુપના ૧૧,૦૦૦ એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચીત કરશે. આ ઇતિહાસને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની તજવીજ ચાલતી હોવાનું જાણવા મળે છે.
રાષ્ટ્રસંત પૂજય ગુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સંવત્સરી પર્વની સંધ્યાએ ગુવારે સાંજના ૬:૩૦ કલાકે ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમિન માર્ગના ખુણે સમગ્ર રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના ૧૧,૦૦૦ ભાવિકો દ્વારા પ્રથમવાર સામુહિક પ્રતિક્રમણની આરાધના કરીને ઐક્યતાને નવો ઈતિહાસ સર્જવામાં આવશે.
એક સાથે ૧૧૦૦૦ ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવતી પ્રભુને એક લાખથી વધારે વંદના, એક સાથે મુખવસ્ત્રિકા પહેરેલા હજારો ભાવિકો, એક સાથે હજારો ભાવિકોના જોડાયેલાં હાથ, પ્રભુ ચરણમાં ઝૂકી રહેલા મસ્તક અને એક સાથે હજારો ભાવિકોના મુખેથી તસ્સ મિચ્છામિ દુક્કડંનો નીકળતો નાદ રાજકોટની ધરા પર એક અવિસ્મરણીય અમીટ છાપ અંકિત કરી જશે.
કાર્યક્રમની વિગત આપતા જૈનમ ગ્રુપના જીતુભાઈ કોઠારીએ જણાવ્યું કે, રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નું ૧૧,૦૦૦ ભાવિકો એક સાથે પ્રતિક્રમણ કરે તેવું એક ડ્રીમ હતું. અમારી ટીમના સભ્યોએ ગુરુદેવનું ડ્રીમ પૂરું કરવા સખત જહેમત કરી ૧૧,૦૦૦ અને ૧૫,૦૦૦ ભાવિકો આરાધના કરે તેવું લક્ષ્ય બનાવ્યું છે.
આ અંગે વધુ વિગત આપતા મયુરભાઈ શાહે જણાવેલ એક સાથે સમૂહમાં જૈનોની એકત્વનું દર્શન કરાવનાર આ અવસર જીનશાસનના ધ્વજને ફરકાવશે.
પ્રતિક્રમણ એટલે શું તે સમજાવતા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ફરમાવે છે કે જૈનોનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પર્વ હોય તો એક જ પર્વ ક્ષમાપનાનું પર્વ. ક્ષમાપનાનું પર્વ અને ક્ષમાપનાને મહાપર્વ માન્યો હોય એવો એક જ ધર્મ છે અને એવી ક્ષમાપના જે જીવનને હરિયાળુ, ખીલેલું, પ્રસન્નતા ભરેલું કરી શકે છે.
ભગવાને માત્ર મોક્ષમાં જવાની વાત નથી કરી, પરંતુ સંસારમાં રહીને પણ અંતરમાંથી સંસાર નીકાળવા પ્રતિક્રમણની આવશ્યકતા છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું અને પાપથી પાછા ફરવા માટે પ્રતિક્રમણ તે પરમાત્માની આજ્ઞા છે. દિવસ સંબંધી પ્રતિક્રમણ, પંદર દિવસ એટલે કે, પાખીના દિવસનું પ્રતિક્રમણ, ચોમાસી પાખી એટલે કે ચાર મહિને એકવાર પ્રતિક્રમણ અને એ પણ ન થાય તો દરેક વ્યક્તિ વર્ષમાં એકવાર સંવત્સરી અવશ્ય કરવું જ જોઈએ. ૩૬૪ દિવસ બાંધેલા પાપોને ધોવા માટેનો ૩૬૫ સંવત્સરીનો દિવસ પાપોને ક્ષય કરવાનો બેસ્ટ ચાન્સ છે.
સતત ૧૪ વર્ષથી વરસી તપની આરાધનાછેલ્લા ૧૪ વર્ષથી વિપુલભાઈ ગુણવંતભાઈ કોઠારી દ્વારા વરસી તપ કરવામાં આવી રહ્યું છે. વરસી તપની સાથે તેઓ ૯ ઉપવાસ પૌષધ સાથે ચલુ છે. જેમા છેલ્લા ૧૪ વર્ષથી વરસી તપમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણું કરે છે.