પેટ્રોલના ભાવના વિરોધ મુદ્દે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે મોડે-મોડે નિર્ણય લીધા હોવાનો નિષ્ણાંતોનો મત
લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનનું નેતૃત્વ રાહુલને સોંપાઈ તો વિવાદ ઉભો થાય તેવી શકયતા
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. પરંતુ કોંગ્રેસે રહી રહીને કેન્દ્ર સરકારનો વિરોધ નોંધાવ્યો છે. ભારત બંધનું એલાન મોડે મોડે આપી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ કોંગ્રેસ સાથે રચાયો છે. દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. યુપીએ સરકાર સમયે ભારતીય જનતા પક્ષે આ મુદ્દાને ખુબજ ગજવ્યો હતો પરંતુ હવે કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં છે છતાં પણ લોકોની આ વાતને રજૂ કરતા આવડતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેની પાછળ રાહુલ બાબાની અણઆવડત કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને હવે ૮ મહિના જેટલો જ સમયગાળો બાકી છે. કેટલાક નિષ્ણાંતો આ ચૂંટણીને મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની સીધી ટકકર માની રહ્યાં છે. જો કે, મોદી જેટલો કરીશ્મા અને લોકચાહના રાહુલમાં ન હોવાનો દાવો પણ થઈ ર્હ્યો છે.
ગુજરાત ચૂંટણી બાદ રાહુલ ગાંધીની છબીમાં ખૂબજ સુધારો થયો હોવાનું માનવાવાળા વર્ગનું પ્રમાણ વધતુ જાય છે. રાહુલ ગાંધીએ મંદિરોની લીધેલી મુલાકાત તેમની છબી સુધારી રહ્યું છે. તાજેતરમાં માનસરોવરની યાત્રા કરી માત્ર મુસ્લિમ તરફી પક્ષ હોવાની છબી પણ રાહુલ ગાંધી દૂર કરવામાં એકંદરે સફળ રહ્યાં છે. જો કે, નરેન્દ્ર મોદીની સરખામણીમાં રાહુલ ગાંધીનો વિશ્ર્વાસ કયાંક કયાંક ઓછો હોવાનું પણ માનવામાં આવે છે.
નિષ્ણાંતોના મતે નરેન્દ્ર મોદીની સરખામણીએ રાહુલ ગાંધીમાં ટોળા સાથે કનેકટ થવાની આવડતનું પ્રમાણ ઓછુ છે. અન્ય વિરોધ પક્ષોના નેતાઓ સાથે તેમની કેમેસ્ટ્રી ઓછી છે. રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી સાથે કામ કરનાર વરિષ્ઠ નેતાઓ સાથે પણ રાહુલ ગાંધીનો મનમેળ ઓછો હોવાનું કહેવાય છે માટે જ તેમણે યુવા નેતાઓ સાથે કામ કરવાનો નિર્ધાર કર્યો છે.
રાહુલ ગાંધીની ટીમની પસંદગીમાં પણ કયાંક ખામી જોવા મળી રહી હોવાનું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. વર્ષ ૧૯૮૯ અને ૧૯૯૬ની સરખામણીએ હાલનો વિરોધપક્ષ ઓછો પ્રભાવશાળી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી હાલ શરદ પવાર અને મમતા બેનર્જી સાથે સંકલન સાધવામાં પણ પૂર્ણ રીતે અનુકુળ થયા નથી.
આગામી લોકસભામાં મહાગઠબંધન રચાવા જઈ રહ્યું છે. જેનો ચહેરો કોણ હશે તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધીને પ્રોજેકટ કરવામાં આવશે તો મહાગઠબંધન હેઠળના અન્ય પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ સવાલ ઉઠાવશે તેવી ચર્ચા છે.