અલગ-અલગ સરકારી કચેરીઓમાં આરોગ્ય શાખાનું ચેકિંગ: સરકારી ઓફિસો જ રોગચાળાનું ઘર
હાલ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે શહેરમાં દિવસ દરમિયાન જયાં સૌથી વધુ લોકોની અવર-જવર રહે છે તેવી સરકારી કચેરીઓમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવન, એ.જી.ઓફિસ, કલેકટર ઓફિસ અને જુની કલેકટર કચેરી સહિતની સરકારી ઓફિસોમાં ડેન્ગ્યુ તાવ ફેલાવતા મચ્છરોના પોરા મળી આવ્યા હતા.આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખાની જુદી-જુદી ચાર ટીમો દ્વારા અલગ-અલગ સરકારી કચેરીઓમાં મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખાની કચેરી નજીક વોટર કુલરની ડોલ નીચે, અધિકારીની ચેમ્બર પાસે ભેટમાં મળેલા બામ્બુવાસ સહિત ૭ સ્થળેથી મચ્છરના પોરા મળી આવ્યા હતા જયારે બહુમાળી ભવનમાં ફિલ્ટર પ્લાન્ટ, પક્ષીકુંજ અને પાણીની ટાંકી સહિત ૭ સ્થળેથી, એ.જી.ઓફિસમાં ટાયર, ડોલ અને ભંગાર સહિત કુલ ૫ સ્થળોએ મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જુની કલેકટર કચેરીમાં નાયબ કલેકટર તથા સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ, સંયુકત ખેતી નિયામકની કચેરી સામે પક્ષીકુંજ, અગાશીમાં ભરાયેલા પાણી, ડ્રેનેજની કુંડી, અગાસી પરના ભંગાર, સિન્ટેક્ષની ટાંકીમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા જયારે કલેકટર કચેરીની મેઈન બિલ્ડીંગના છત પર જમા થયેલા પાણીમાં તથા ગ્રાઉન્ડ ફલોરના સંપ સામેની ખુલ્લી અંડરગ્રાઉન્ડ ટેન્ક અને ટાયરમાં પુષ્કર પ્રમાણમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા.