તાજેતરમાં એક અખબારની પૂર્તિમાં જૈન સમાજના પર્યુષણ પર્વ પર યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર રાજયના જૈન સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ જવા પામી છે. આ કાર્ટુન પર રાજકોટ શહેરના જૈન અગ્રણીઓએ પણ આક્રોશ વ્યકત કરીને તેનાથી તેમની ધાર્મિક લાગણી દુભાય હોય અખબારના તંત્રી સામે વિરોધ નોંધાવીને જૈન સમાજની માફી માંગવા જણાવ્યું છે. આ અંગે રાજકોટ જૈન સમાજના આગેવાન અને અગ્રણી એડવોકેટ કમલેશભાઈ શાહે અબતકને જણાવ્યું હતું કે, આ કાર્ટુન દ્વારા પર્યુષણ પર્વ પર ઈરાદાપૂર્વક હાંસી ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે દુ:ખદ ઘટના છે. આ પ્રકારના કાર્ટુનથી જૈન સમાજ માટે અન્ય સમાજમાં ખોટો સંદેશો જાય છે.
શહેરના ટેકસ ક્ધસલ્ટન્ટના મધુભાઈ ખંધારે આ મુદ્દે જણાવ્યું હતું કે, આ અખબારના તંત્રી જૈન છે જયારે પવિત્ર પર્વાધિરાજ પર્વ પર આવા કાર્ટુન મુકીને જૈન સમાજની મજાક ઉડાડવામાં આવી છે જે ચલાવી લેવામાં નહીં આવે.
આ કાર્ટુનના વિવાદ અંગે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશીએ જણાવ્યું હતું કે, જૈન સમાજ વિરોધી આ કાર્ટુન સખ્ત શબ્દોમાં વખોડવાને લાયક છે. તપસ્યા, સત્ય અને અહિંસાનો પર્વાધિરાજ પર્યુષણ પર આવા કાર્ટુન મુકીને અન્ય સમાજને જૈન ધર્મ માટે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૈનો જે પર્વ પર અતિ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે તેવા પર્યુષણ પર્વ આ પ્રકારની પ્રવૃતિ વખોડવાને લાયક છે. ભવિષ્યમાં આવુ કૃત્ય ફરી ન થાય જે માટે તાકીદ કરુ છું.
જયારે જૈન મોટા સંઘના માનદ મંત્રી હિતેષભાઈ બાટવીયાએ આ વિવાદ અંગે જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ પર જૈનો તપ, આરાધના દ્વારા પોતાના કર્મોને ખપાવતા નિર્જળા સહિતની આકરી તપશ્ર્વર્યા કરતા હોય છે ત્યારે કાર્ટુનની આ પ્રવૃતિ અટકાવવા આ અખબારનો વિનંતી કરીએ છીએ. ધાર્મિક ભાવનાને હાની પહોંચાડે તેવી કોઈપણ વાત વ્યાજબી નથી પરંતુ જૈન ધર્મમાં ક્ષમાનું અનેરું મહત્વ હોય આ મુદ્દે ક્ષમા આપીને ભવિષ્યમાં આવા કાર્ટુન ફરીથી પ્રસિઘ્ધ ન થાય તેવી રજુઆત કરીશું.