હોસ્પિટલેથી રજા અપાયા બાદ ઉપવાસ છાવણીએ જઈ રહેલા હાર્દિક અને પોલીસ વચ્ચે બબાલ: પાસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના એંધાણ
તબિયતમાં સુધારો થતાની સાથે જ હાર્દિક પટેલ ફરી ઉપવાસ છાવણીએ પહોંચી ઉપવાસ પર બેસી જતા વાતાવરણ ગરમાયું છે. ડીસીપી જયપાલસિંહ રાઠોડે ધમકી આપી હોવાના હાર્દિકના આક્ષેપ બાદ પાસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય તેવી દહેશત છે.
ગઈકાલે તબિયતમાં સુધારો થતા હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રીપોર્ટના આધારે તબીબોએ હાર્દિકને રજા આપવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ હાર્દિક પટેલે ઉપવાસ છાવણીએ પહોંચી આમરણ ઉપવાસ ચાલુ રાખ્યા હતા.
અલબત રીસોર્ટમાં પ્રવેશતા જ પોલીસે એમ્બ્યુલન્સ રોકી હતી જેના કારણે હાર્દિક પટેલે સ્ટ્રેચર પર ઉપવાસ છાવણીએ જવાની જીદ કરી હતી. હાર્દિકના ઉપવાસને લઈ પોલીસે પહેલેથી જ સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
હાર્દિક પટેલ અને પોલીસ અધિકારીઓ વચ્ચે તુ તુ મેં મેં થઈ હોવાનું જાણવા મળે છે. સમર્થકો સ્ટ્રેચર પર લઈ જતા હતા ત્યારે હાર્દિકે ગભરામણ થઈ હોવાની ફરિયાદ કરી હતી જેથી ફરી એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાક્રમ દરમિયાન હાર્દિક પટેલે ડીસીપી જયપાલસિંહ સામે આક્ષેપ કર્યા હતા. ડીસીપી રાઠોડે મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ હાર્દિક પટેલે મુકયો છે.
હાર્દિક પટેલે આ બનાવ દરમિયાન બુમો પાડતા કહ્યું હતું કે, ડીસીબી તું મને મારી શકે નહીં માત્ર ભગવાન જ મારા જીવનનો નિર્ણય લઈ શકે. આ મામલે ડીસીપી રાઠોડે હાર્દિકને ધમકી ન આપી હોવાનો ખુલાસો કર્યો છે. જોકે હાર્દિક પટેલે ટવીટ કરતા કહ્યું હતું કે, ડીસીપી રાઠોડે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મૃત્યુના દેવ યમરાજે આવું કામ રાઠોડને સોંપ્યું છે.