આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો જમાનો
કેમેરા અને સેન્સર્સથી ચાલતા એમેઝોનના રીટેલ સ્ટોરનો કોચી ખાતે પ્રારંભ
હાલ અવનવી ટેકનોલોજીઓ વિકસતા લોકોનું જીવન સરળ બન્યું છે. મોબાઈલ નેટવર્કિંગ અને ઈન્ટરનેટ જેવી ટેકનોલોજીકલ સુવિધાના માધ્યમથી લોકો ઘરે બેઠા શોપીંગ કરતા થયા છે. આ ઉપરાંત મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થતા ઘરગથ્થુ કે વાણિજયક કામો તો ઘેર બેઠા જ શકય બન્યા છે.
તેમાં પણ ટેકનોલોજીમાં હવે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો જમાનો આવ્યો છે. ઘણા દેશોમાં રોબોટીકસ પઘ્ધતિઓનું વર્ચસ્વ જામ્યું છે ત્યારે કોચીમાં એમેઝોન દ્વારા એક તદન નવી ‘અપની દુકાન’ ખોલવામાં આવી છે. વાટાસેલ નામના આ સ્ટોરની ખાસીયત એ છે કે તેમાં એક પણ કેશિયર નથી કે નથી અન્ય કોઈ કર્મચારી. આ સ્ટોર સંપૂર્ણપણે અદ્યતન ટેકનોલોજી આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સી, કેમેરા અને સેન્સર્સ પર આધારિત છે.
કોચી ખાતે ૫૦૦ સ્કેવર ફુટમાં શરૂ કરાયેલું આ સ્ટોર કે જે ૨૪ કલાક ચાલુ રહે છે અને જરૂરીયાતની તમામ ચીજ-વસ્તુઓ મળે છે. આ સ્ટોરમાં કોઈપણ વ્યકિત પ્રવેશી શકે છે પરંતુ આ માટે એમેઝોન દ્વારા અપાયેલા કોડ હોવા જરૂરી છે.
આ માટે એમેઝોન દ્વારા વાટાસેલ નામની એક એપ્લીકેશન પણ લોન્ચ કરાઈ છે કે જે સ્ટોરની મુલાકાતે આવતા ગ્રાહકોના ફોનમાં હોવી જરૂરી છે. આ એપ્લીકેશન થકી ગ્રાહકોના ઈ-મેઈલ આઈડી અને ફોન નંબર રજીસ્ટર્ડ થશે અને એક કયુઆર કોડ મળશે. આ કયુઆર કોડ સ્ટોર અંદર પ્રવેશવામાં મદદરૂ થશે.
કોડ સ્કેનકરી સ્ટોર અંદર પ્રવેશી ગ્રાહકે ઈચ્છા મુજબ કોઈપણ ચીજવસ્તુ ખરીદી શકશે અને શોપીંગ કરી ફરી કોડ સ્કેન કરી સ્ટોરની બહાર નીકળી શકશે. રસપ્રદ વાત એ છે કે, શોપીંગ બાદ ગ્રાહકે કોઈપણ પેમેન્ટ કરવાનું રહેશે નહીં. જી, હા, શોપીંગ કર્યા બાદ ગ્રાહકના ડેબિટ કાર્ડમાંથી ઓટોમેટીક રૂપીયા ઉપડી જશે.
વાટાસેલના સીઈઓ સુભાષ એસે. જણાવ્યું કે, એપ્લીકેશન, કેમેરાઓ થકી આ સ્ટોર ચાલશે. વાટાસેલના મેનેજમેન્ટ માટે કોઈપણ માણસની જરૂર રહેશે નહીં અને કેશિયરને નાણા ચુકવણીની પઘ્ધતિમાંથી ગ્રાહકોને છુટકારો મળશે. કોઈપણ વ્યકિત સ્ટોર અંદર પ્રવેશી ચીજ-વસ્તુઓ લઈ તુરંત જ બહાર નિકળી શકશે પરંતુ આ માટે કયુઆર કોડ અનિવાર્ય ગણાશે. કેમેરાઓમાં સ્ટોરની મુલાકાત લેતા તમામ લોકોની પ્રવૃતિઓ કેદ થશે સીઈઓ સુભાષ એસે વધુમાં જણાવ્યું કે, વાટાસેલમાં હાલ ૧૮૦ જેટલી વિવિધ પ્રોડકટસ રાખવામાં આવી છે અને કોચીની જેમ દિલ્હી, બેંગ્લોર સહિતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે કેશિયર ફ્રી સ્ટોર ઉભા કરાશે.