દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસની માર્ચ
પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારા સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં ૨૧ રાજકીય પક્ષોનું સમર્થન
૬ કલાકનું બંધ આંશિક સફળ
સૌરાષ્ટ્રમાં શહેરો બંધ, ગામડાઓ ખુલ્લા
ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં વર્તાઈ
પ્રચંડ રોષે ભરાયેલા લોકોએ ટ્રેન રોકી, વાહનોમાં બેફામ તોડફોડ
પેટ્રોલ-ડિઝલમાં બેફામ ભાવ વધારો, પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા તથા રાફેલ સોદાની તપાસ પાર્લામેન્ટરી કમીટી દ્વારા કરાવવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને આંશિક સફળતા મળી છે. કોંગ્રેસે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં રાજધાની નવીદિલ્હી ખાતે કેન્દ્ર સરકાર સામે ફૂટમાર્ચ યોજી હતી. દેશભરમાં બંધની સૌથી વધુ અસર બિહારમાં વર્તાઈ હતી. પ્રચંડ રોષે ભરાયેલા લોકોએ ટ્રેનની રોકી વાહનોમાં તોડફોડ કરી હતી.
કેન્દ્રની મોદી સરકારની અણઆવડતના કારણે છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ ઘટી રહ્યાં છે. છતાં દેશમાં દિન પ્રતિદિન પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. સતત વધતા ભાવ વધારાના વિરોધમાં તથા પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા તથા કથીત રાફેલ કૌભાંડની તપાસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમીટી મારફત કરાવવાની માંગણી સાથે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજે સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી એમ ૬ કલાક ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને દેશના ૨૧ રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. ભારત બંધનું એલાન આંશિક રીતે સફળ થયું હતું. આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવીદિલ્હી સ્થિતિ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધીને પુષ્પાંજલી અર્પણ કરી કેન્દ્ર સરકારના વિરોધમાં રાજઘાટથી રામલીલા મેદાન સુધી ફૂટમાર્ચ યોજી હતી. જેમાં અલગ અલગ રાજકીય પક્ષોના ધુરંધર નેતાઓ જોડાયા હતા.
દેશભરમાં બંધની વ્યાપક અસરો જોવા મળી હતી. અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકરો બજારો બંધ કરવા માટે રસ્તા પર નિકળી પડયા હતા. બિહારમાં લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પપ્પુ યાદવના સમર્થકોએ બિહારમાં ટ્રેન પણ રોકી હતી. ગુજરાતમાં પણ બંધ દરમિયાન કેટલાક ઉગ્ર પ્રદર્શનો થયા હતા. અરવલીમાં લોકોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો તો ભીલોડા અને વિજયનગર રોડ પર ટાયરો સળગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો બંધને સફળ બનાવવા માટે રીતસર રોડ પર ઉતરી આવ્યા હતા.
ભારત બંધ દરમિયાન કોઈ નુકશાની ન થાય તે માટે આજે એસટી નિગમ દ્વારા સુરેન્દ્રનગર અને પાટણમાં અનેક ટની બસ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો અને ટાયરો સળગાવ્યા હતા. સવારથી કાર્યકરો બંધ કરાવવા નિકળી પડયા હતા અને પેટ્રોલપંપ પણ બંધ કરાવ્યા હતા. જામનગરમાં સવારથી શાળા-કોલેજો બંધ રહી હતી.
ભારત બંધના એલાન દરમિયાન દિલ્હીમાં રાજઘાટથી રામલીલા મેદાન સુધી કેન્દ્ર સરકાર સામે ફૂટમાર્ચ યોજયા બાદ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા છ માસ દરમિયાન કોંગ્રેસ દ્વારા આ બીજી વખત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ પૂર્વે એસટી/એસસી એકટમાં સુધારાના વિરોધમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં આજે અપાયેલ બંધના વિરોધમાં આંશિક રીતે સફળ રહ્યું હતું. દેશના મોટાભાગના રાજયોમાં સવારથી બપોર સુધી મુખ્ય બજારો બંધ રહી હતી.