દરેક વ્યકિતને માનભેર મરવાનો અધિકાર-સીજેઆઈ દીપક મિશ્રા
તાજેતરમાં પૂણે ખાતે આયોજીત એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાએ ‘ઈચ્છા મૃત્યુ ’ પર વાત કરતા જણાવ્યું હતુ કે, દરેક માણસને માનભેર જીવવાનો તો અધિકાર છે. પણ સાથે સાથે માનભેર મરવાનો પણ અધિકાર છે. કાનૂન મુજબ, કોઈપણ વ્યકિત આત્મહત્યા કરી શકે નહિ પણ દરેક વ્યકિત સન્માનની સાથે મોતને ભેટ એ અધિકાર દરેકને છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષનાં માર્ચ માસમાં સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુ પર ઐતિહાસીક ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમે કહ્યું હતુ કે કોમામાં ગયેલા અથવા મોતના દરવાજા સુધી પહોચેલા લોકો માટે નિષ્ક્રીય ઈચ્છા મૃત્યુ અને ઈચ્છા મૃત્યુ માટે લખાયેલી વસીયત કાનુની રૂપથી માન્ય ગણાશે. સુપ્રીમે કહ્યું કે મોતને માટે ઈચ્છુક વ્યકિતએ વસીયતમાં ઉલ્લેખ કરવાનો રહેશે કે ગંભીર અને લાઈલાજ બીમારી હોવાથી તેને જીવન રક્ષક ઉપકરણો પર રાખવાને બદલે મૃત્યુ આપી દેવામાં આવે.
ભારતમાં તો ઈચ્છા મૃત્યુ ને માન્ય ઠેરવાઈ છે. પણ હજુ ઘણા પશ્ચીમીદેશો એવા છે કે જયાં આ મુદે સંઘર્ષ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના માધ્યમથી ભારતમાં ઈચ્છા મૃત્યુને માન્યતા મળી છે. જેને લઈ સીજેઆઈએ પૂણે ખાતે આયોજીત કાર્યક્રમમાં કહ્યું કે દરેક વ્યંકિત પાસે એ અધિકાર છે કે તેણે અંતિમ શ્વાસ કયારે લેવા.જણાવી દઈએ કે, પૂણેમાં અણા શાનબાગ કેસને લઈ સીજેઆઈ મિશ્રાએ ઈચ્છા મૃત્યુ પર આ વાત કહી હતી.