ભાજપની નિર્ણાયક કમિટીની બેઠકમાં પ્રમુખ અમિત શાહે વિજય વિશ્વાસ વ્યકત કર્યો
એનડીએને હરાવવાનું સ્વપ્ન વિપક્ષ માટે દિવા સ્વપ્ન સમાન: મંત્રી પ્રકાશ જાવડેકર
૨૦૧૯ની લોકસભા ચુંટણી જીતી ગયા બાદ ભારતીય જનતા પક્ષને ૫૦ વર્ષ સુધી કોઈ સત્તા પરથી ઉતારી નહીં શકે તેવો વિજય વિશ્ર્વાસ ભાજપ પ્રમુખ અમિત શાહે વ્યકત કર્યો છે. ગઈકાલે પક્ષની નિર્ણાયક કમિટીની બેઠક દરમિયાન સંબોધન સમયે અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના હાર્ડ વર્કના કારના ભારતીય જનતા પક્ષ વિજય મેળવશે.
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, વર્ષ ૧૯૪૭માં કોંગ્રેસે પ્રથમ વખત સરકાર બનાવી ત્યારબાદ વર્ષ ૧૯૬૭ સુધી સતા પર રહી આવી જ રીતે ભાજપ પણ પોતાની પાંખો પ્રસરાવી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં વડાપ્રધાન મોદીની મહેનતના કારણે જીત મેળવ્યા બાદ ભાજપને ૫૦ વર્ષ સુધી કોઈ હટાવી શકશે નહીં.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, આગામી લોકસભા ચુંટણીમાં એનડીએને હરાવવાનું વિપક્ષનું સ્વપ્ન ‘દિવા સ્વપ્ન’ બની જશે. વડાપ્રધાન મોદી વર્ષ ૨૦૨૨ સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવા માંગે છે. વડાપ્રધાન મોદી ગરીબી, ભ્રષ્ટાચાર અને જ્ઞાતિજાતીના ભેદભાવ વગરના નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જેનાથી અકળાયેલો વિપક્ષ મોદીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં વધુ બેઠકો અને મત મેળવીને ભારતીય જનતા પક્ષ ફરી સતા ઉપર આવશે. વિરોધ પક્ષ દિવા સ્વપ્નમાં રાંચી રહ્યો છે. વિરોધ પક્ષ પાસે નેતા, પોલીસી કે રણનીતિ નથી. તેમની પાસે મોદીને રોકવાનો એકમાત્ર નેગેટીવ એજન્ડા છે અને લોકોને નેગેટીવ રાજકારણ ગમતું નથી.
તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકાર આંતરીક સુરક્ષા તેમજ આતંકીઓ સામેના પગલામાં યુપીએ કરતા વધુ સફળ રહી છે.
જાવડેકરે ઉમેર્યું કે, મોદી અને શાહની જોડીના કારણે પક્ષ મજબુત બન્યો છે. ૩૫૦ એમપી અને ૧૫૦૦ એમએલએની તાકાત પક્ષ પાસે છે. ગઈકાલે ભાજપની આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રસ્તાવ રજુ કર્યો હતો જેમાં ૨૦૨૨ સુધીમાં દેશમાંથી જાતીવાદ, નકસલવાદ અને આતંકવાદ સહિતના દુષણોનો ખાતમો કરવાની વાત કહી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપની બે દિવસીય કાર્ય સમિતીની બેઠક મળી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ તથા વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું હતું. બંને નેતાઓએ પોતાના ઉદ્બોધનમાં વિપક્ષ પર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના નિધન બાદ પ્રથમ વખત ભાજપની કાર્ય સમિતીની બેઠક મળી હતી. જેમાં વાજપેયને યાદ કરવામાં આવ્યા હતા.